if (window.top.location.href !== window.self.location.href && !window.top.location.href.startsWith('https://mail.swargarohan.com/')) { window.top.location.href = window.self.location.href; }

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

જગન્નાથપુરીના પ્રસિદ્ધ તીર્થધામમાં ચૈતન્ય મહાપ્રભુએ એમના જીવનનો અઢારેક વરસ જેટલો લાંબો અને અંતિમ સમય જ્યાં રહીને પસાર કર્યો તે સુંદર સ્થળ રાધાકાંત મઠથી થોડેક દૂર એક પ્રાચીન વૃક્ષ છે. એ વૃક્ષ ખાસ જોવા જેવું છે. એનું મહત્વ એ ઐતિહાસિક સ્થાનને લીધે વિશેષ છે. ત્યાં રહીને ચૈતન્ય મહાપ્રભુના શિષ્ય હરિદાસજીએ વરસો સુધી તપશ્ચર્યા કરેલી.

હરિદાસજી આમ તો યવન હતા. પરંતુ એમને ભગવાન કૃષ્ણ પર પ્રેમ થયેલો. એમનું મન પૂર્વના કોઈક સંસ્કારને લીધે ભગવાન કૃષ્ણમાં લાગેલું અને કૃષ્ણ દર્શનને માટે અધીરું બનેલું.

‘જાતપાત પૂછે નહિ કોઈ, હરિકો ભજે સો હરિકા હોઈ’ એ લોકોક્તિ પ્રમાણે એ ભગવાનના પરમ ભક્ત બની ગયેલા. એ પુરાતન બકુલ વૃક્ષની નીચે બેસીને હરિદાસજી ભગવાનના જપ તથા ધ્યાનમાં મગ્ન થતા. એ રોજ અમુક નિશ્ચિત સંખ્યાના જપ કરતા.

ચૈતન્ય મહાપ્રભુ એમના પર ખૂબ જ પ્રેમ રાખતા એ જોઈને બીજા કેટલાક ભક્તો ઈર્ષા કરવા લાગ્યા. એ ઈર્ષાભાવથી પ્રેરાઈને એમણે જગન્નાથપુરીની એક વેશ્યાને તૈયાર કરી, અને એને મોટું ઈનામ આપવાની લાલચ આપીને હરિદાસજીને પોતાની મોહિનીમાં ફસાવીને ચારિત્ર્ય ભ્રષ્ટ કરવાનું કામ સુપ્રત કર્યું.

વેશ્યાને થયું કે હરિદાસનું પતન કરવું એમાં શી મોટી વાત છે ! મેં તો એવા કેટલાય પુરુષોને મંત્રમુગ્ધ કે મોહિત કર્યા છે. મારું સૌંદર્ય જ એવું અસાધારણ અને અનુપમ છે કે વાત નહિ. એ સૌંદર્યની સંમોહન શક્તિ સામે કોણ ટક્કર ઝીલી શકે એમ છે ?  ભલભલા એની આગળ લાચાર બને છે તો પછી હરિદાસનું તો ગજું જ શું ?

એ તો બની ઠનીને હરિદાસજીને મોહિત કરવા માટે ચાલી નીકળી.

પરંતુ ... હરિદાસજી ધ્યાનમાં બેઠેલા. એમની આંખ બંધ હતી અને એમાંથી અંતરમાંથી પ્રકટેલો પ્રેમનો પવિત્ર પ્રવાહ આંસુરૂપે વહી રહેલો.

વેશ્યા એમના ઉઠવાની પ્રતિક્ષા કરતી આખો દિવસ બેસી રહી. હરિદાસજી ઉઠ્યા જ નહિ.

બીજે દિવસે પણ એ જ દશા થઈ. વેશ્યા આવી પણ હરિદાસજીએ આંખ ના જ ઉઘાડી.

ત્રીજે દિવસે પણ હરિદાસજી એવા જ ધ્યાનમગ્ન રહ્યા.

ચોથે દિવસે એમણે આંખ ઉઘાડી ત્યારે વેશ્યા એમને પગે પડી.

હરિદાસે એને પોતાની પાસે આવવાનું કારણ પૂછ્યું, તો એ બોલી, ‘કેટલાક લોકોના કહેવાથી હું તમારું પતન કરવા આવેલી. પરંતુ ત્રણ દિવસ સુધી તમને જોયા પછી મારું મન બદલાઈ ગયું છે. તમને એવા કયા રસની પ્રાપ્તિ થઈ છે કે જેની આગળ સંસારના બીજા બધા વિષયો કે પદાર્થો તમને નીરસ લાગે છે ?’

હરિદાસે કહ્યું, ‘એ રસ બીજો કોઈ જ નથી પણ ભગવાનનો પ્રેમરસ છે. એ રસનો પ્રભાવ જ એવો છે કે એનું પાન કર્યા પછી બીજા કોઈ રસનું પાન કરવાની ઈચ્છા નથી થતી.’

‘મેં તો જીવનભર કેટલાય પાપ કર્યા છે. મારા ઉદ્ધારનો કોઈ ઉપાય ?’

‘ભગવાનનું નામ જીવમાત્રના પરિત્રાણને માટે પૂરતું છે. એનો આધાર લેનારને પાપની ચિંતા નથી કરવી પડતી.’

વેશ્યાના આગ્રહને માન આપીને હરિદાસજીએ એને પોતાના પ્રિય જપ ‘હરે રામ હરે રામ રામ રામ હરે હરે, હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે’નો ઉપદેશ આપ્યો, અને ભગવાનના ધ્યાનમાં લીન થવા માટે ફરીવાર આંખ મીંચી દીધી.

વેશ્યાએ પોતાની લક્ષ્મીનું દાન કર્યું ને મંત્રના નિરંતર જપમાં સાદુ ને સંયમી જીવન જીવતાં મનને લગાડી દીધું.

એણે હરિદાસની શિષ્યા તરીકે પોતાનું નામ હરિદાસી રાખ્યું ને શેષ જીવનને કૃતાર્થ કર્યું. એને સંગનો પાકો રંગ લાગી ગયો. મહાપુરુષોનો એક ક્ષણનો પણ સંગ સંસાર સાગરને તરવા માટેની નૌકારૂપ થઈ પડે છે એ ઉક્તિ એને માટે સાચી ઠરી.

આ પરિવર્તનશીલ પૃથ્વી પર કાયમને માટે કોઈ જ નથી રહી શકતું. જે આવે છે તે વિદાય થાય છે. એ નિયમને અનુસરીને એક દિવસ સંત હરિદાસનું શરીર છૂટી ગયું. અને એ પછી હરિદાસીએ પણ દેહત્યાગ કર્યો.

જગન્નાથપુરીમાં સમુદ્રતટ પર આજે એમની સમાધિ વિદ્યમાન છે. બાજુમાં હરિદાસીની પણ સમાધિ છે. એનું અવલોકન કરીને આપણને આદરભાવ થાય છે ને થાય છે કે ‘સત્ય સંગતિ કથમપિ ન રોહિત પુસામ’ એટલે કે સત્સંગતિ માણસનું શું નથી કરી શકતી ? બધું જ કરી શકે છે. અને નવો અવતાર ધરે છે ને નરમાંથી નારાયણ કરે છે. તુલસીદાસ કહે છે તેમ એમાં સ્નાન કરવાથી કાગડા કોયલ બને છે ને બગલા હંસ થાય છે. ‘મજ્જલ ફુલ પેખિઅ તત્કાલા, કાક હોઈ પિકબકહિ મરાલા.’

ધન્ય એ હરિદાસ અને ધન્ય એ હરિદાસી !

 - શ્રી યોગેશ્વરજી

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.