if (window.top.location.href !== window.self.location.href && !window.top.location.href.startsWith('https://mail.swargarohan.com/')) { window.top.location.href = window.self.location.href; }

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

ગુરુ નાનકદેવના જીવનનો નાનો સરખો પ્રેરણાત્મક પ્રસંગ છે. એ વખતે નાનકદેવે ભારતની વારંવાર યાત્રા કરેલી અને એમના સુંદર, સચોટ, સારવાહી સદુપદેશથી લોકોનાં હૃદય જીતી લીધેલાં. લોકોમાં એમણે ખૂબ જ પ્રતિષ્ઠા મેળવેલી.

કેટલાયને એમના દ્વારા શાંતિ સાંપડેલી ને પ્રકાશની પ્રાપ્તિ થયેલી. એમનામાંના કેટલાય એમને ગુરુ તરીકે માનતા ને અત્યંત આદરભાવે નિહાળતા.

એમની યાત્રા દરમ્યાન એમણે દયાળપુર પાસેના ગામડાંમાં એક મુસલમાન ખેડૂતને ઉપદેશ આપતા કહેલું, ‘ભાઈ, સત્કર્મરૂપી શ્રેષ્ઠ હળથી તારું ખેતર ખેડજે. તેમાં પવિત્ર નામનું બી વાવજે. સત્યનું પાણી પાજે. એવી રીતે સર્વોત્તમ ખેડૂત બનજે. સ્વર્ગ કે નરકની ચિંતા કર્યા વિના શ્રદ્ધાને વધારજે. ધનના મદમાં અને બહારના સૌંદર્યના નશામાં કદી પણ ના પડતો. ખાલી ચર્ચા કરવાથી સિદ્ધિ નહિ મળે.’

એ સદુપદેશ સાંભળીને એક શરાફ બોલી ઉઠ્યો કે આ ગરીબ ખેડૂત આવી ગૂઢ વાતોને કેવી રીતે સમજી શકશે ?  તો નાનકદેવે કહ્યું, ‘જે દીન છે તે જ દીનબંધુની પાસે છે. જે ધનનો સંગ્રહ કરે છે તે તારી સાથે નહિ આવે. તારા જેવા ધનિકો નહિ, પરંતુ જેમનાં હૈયાં ઈશ્વરની વિશુદ્ધ સેવાથી શોભી રહ્યાં છે તે ગરીબો જ ઈશ્વરની પરમ કૃપાના અધિકારી છે.’

દીનદુઃખી ને ગરીબો પર એમને ઘણો પ્રેમ હતો. નાશિકમાં એ એક ગરીબ માણસના મહેમાન બનેલા, ને જમીન પર સૂઈ રહેલા. એ જોઈને એક અમીરે કહ્યું, ‘મેં તમને મારે ઘેર આવવાનું કહ્યું ત્યારે તમે ના આવ્યાં તો હવે તમારે તકલીફ વેઠવી જ પડે ને ?’

નાનકે ઉત્તર આપ્યો, ‘ભાઈ, મને અહીં કશી જ તકલીફ નથી પડતી. ઈશ્વર સંસારના વિનાશી સુખોથી રહિત માણસ પર જ પોતાના અનુગ્રહનું અમૃત વરસાવે છે. હું તો આ ઘરમાં સૌથી મોટા કૃપાપાત્રની સાથે વસી રહ્યો છું. હું ઈચ્છું કે આની જેમ ઈશ્વર મારા પર પણ પોતાની કૃપાની વર્ષા વરસાવે.’

એ સરસ ઉત્તર સાંભળીને અમીર કાંઈ જ ના બોલ્યો.

એ સુખદ યાદગાર યાત્રા પછી નાનકદેવ કરતારપુરમાં દીવાન ભરીને બેઠા હતા. શિષ્યો, જિજ્ઞાસુઓ તથા પ્રશંસકો એમાં સારી પેઠે એકઠા થયેલા. સૌની વચ્ચેથી એક શીખે ઉઠીને ચાલવા માંડ્યું.

નાનકદેવે એને અધવચ્ચેથી ઉતાવળ કરીને બહાર જવાનું કારણ પૂછ્યું તો એણે સહજ સંકોચ સાથે જણાવ્યું, ‘મારે અધવચ્ચેથી આવી રીતે ઉતાવળ કરીને બહાર ના જવું જોઈએ એ જાણું છું. આવી રીતે બહાર જવા માટે લાચાર છું. પરંતુ બીજો કોઈ ઉપાય નથી. મારે ઘણું જ અગત્યનું કામ હોવાથી અહીંથી ઉઠ્યા સિવાય ચાલે તેવું નથી. મારો એક મિત્ર બિમાર છે ને જીવે એવી પણ આશા નથી રહી. હું તેની સેવામાં છું. છતાં તમારા દર્શનની ઈચ્છાને રોકી ના શકવાથી તમારાં દર્શન માટે આવ્યો છું.’

ગુરુ નાનકદેવ એકાએક ગંભીર બની ગયાં ને બોલ્યાં, ‘એવું જ હોય તો પછી તું મારા આદેશ પ્રમાણે નથી ચાલ્યો.’

‘કઈ આજ્ઞા ?’

‘તું ના સમજ્યો ? માંદાની માવજત કરવાની. તારે મારા દર્શન માટે આવવાની એટલી આવશ્યકતા ન હતી. ખરી આવશ્યકતા તો એ માંદા મિત્રની સેવા કરવાની હતી. તને જેની સોંપણી કરેલી તેને એકલો મૂકીને તું મારા દર્શન માટે આવ્યો એ ઠીક ના થયું. મારા દર્શન કરવા કરતાં મારા સંદેશને જીવનમાં ઉતારવાનું વધારે મહત્વનું છે. જે જીવમાત્રમાં ઈશ્વરની ઝાંખી કરીને સૌની સેવામાં તત્પર રહે છે તે જ ધન્ય છે. શિષ્યે તો સદા સંતોષી, સત્યપરાયણ તથા કરુણાળું બનવાનું છે. કોઈએ એ કારણે પોતાનું કર્તવ્ય નથી છોડવાનું.’

ગુરુ નાનકદેવના એ શબ્દોએ સૌને નવો પ્રકાશ પૂરો પાડ્યો. પેલા શીખ ભાઈને પણ નવી પ્રેરણા મળી. પોતાના માંદા મિત્રની માવજતમાં એણે એ પ્રસંગ પછી પોતાનું મન અત્યંત પ્રેમપૂર્વક પરોવી દીધું.

નાનકદેવનો એ પ્રસંગ અને એમના શબ્દો જૂના થયા છે, પરંતુ એમની પાછળનો સંદેશ જરા પણ જૂનો નથી થયો. એ તો સનાતન છે. એ સંદેશને ઝીલવાની જરૂર છે. લોકો સત્સંગ કરે છે, દેવદર્શને જાય છે, ને તીર્થોની યાત્રાનો લાભ લે છે, તે સારું છે. એમનું પોતપોતાના સ્થાનમાં મહત્વ છે એ સાચું છે. છતાં પણ એમનો આધાર લેનાર જો ઘર, કુટુંબ કે સમાજનાં પોતાનાં જરૂરી કર્તવ્યો પ્રત્યે ઉદાસીન બને કે એમની ઉપેક્ષા કરે અને એમને ભોગે જો એ બધું કર્યા કરે, તો તે જરા પણ આવકારદાયક અથવા આદર્શ અને અભિનંદનીય નહિ કહી શકાય. બીજાની સેવાનો ધર્મ સૌથી મોટો છે એ સદાય યાદ  રાખવાનું છે.

 - શ્રી યોગેશ્વરજી

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.