અમેરિકામાં થોડોક વખત રહી આવેલા એક ભાઈએ એ દેશના પોતાના અનુભવનો એક પ્રસંગ કહી બતાવ્યો છે. સ્વાનુભવનો એ પ્રસંગ તાજેતરનો નથી, પણ વરસો પહેલાં બનેલો છે. છતાં પણ યાદગાર, પ્રેરક અને ઉલ્લેખનીય હોવાથી એને અહીં રજૂ કરી રહ્યો છું.
એમના અમેરિકાના સુખદ નિવાસ દરમ્યાન એક વાર એ રસ્તા પરથી પસાર થતા હતા, એ વખતે મૂશળધાર વરસાદ તૂટી પડ્યો. એમને સમજાયું નહિ કે હવે શું કરવું ? એમની સાથે એમના પત્ની પણ હતા.
વરસાદથી બચવા માટે પોતાની પત્ની સાથે એ એક ફૂટપાથ પરની દુકાન પાસે જઈને ઊભા રહ્યા. ત્યાં જ એમની સામે એક મોટર આવીને ઊભી રહી.
મોટરમાં એક અપરિચિત પુરુષ પોતાની પત્ની સાથે બેઠેલા.
એ પુરુષે ભારે વિનય અને પ્રેમપૂર્વક એમને એમના આશ્ચર્ય વચ્ચે પોતાની મોટરમાં બેસવાની વિનંતી કરો. કહો કે એના માટે એમને આમંત્રણ આપ્યું.
પરિસ્થિતિ એવી હતી કે પેલા ભાઈ એ આમંત્રણનો સ્વીકાર કર્યા વિના રહી શક્યા જ નહિ. એ એકલા હોત તો હરકત નહોતી. પરંતુ એમની સાથે એમની પત્ની પણ હતી. અને વરસાદ બંધ થવાની શક્યતા નહોતી લાગતી, એટલે મોટરમાં બેસવાના વગર માગ્યે આવી મળેલા અવસરનો લાભ લેવાનું એમને ઉચિત લાગ્યું.
એમણે પેલા અમેરિકન ભાઈને સ્પષ્ટ કહ્યું કે પોતાને થોડેક દૂર જવાનું છે તો પણ એ ભાઈએ એમને ખૂબ જ આગ્રહ અને આનંદપૂર્વક મોટરમાં બેસાડી દીધા.
પેલા અમેરિકન ભાઈને તદ્દન નજીક જ જવાનું હતું તો પણ સૌથી પહેલાં એમણે ભારતીય દંપતીને એમના સ્થાન પર પહોંચાડવાનું ઉચિત માન્યું.
ભારતીય દંપતી એમની એવી અદભુત મદદથી ગદગદ બની ગયાં. એ ભાઈએ મોટરમાંથી ઉતરતી વખતે પેલા અમેરિકન ભાઈનો આભાર માન્યો ને બદલામાં કશુંક લેવા કહ્યું તો એમણે સાફ ના પાડી.
એમણે કહ્યું કે ‘મેં તો એક માનવ તરીકે તમારી સેવા કરી છે. એના બદલામાં મારે કશું જ નથી લેવું. તમે આ ઘટનાને ભૂલશો નહિ ને તમારા દેશમાં જઈને કહેજો કે અમેરિકનો સેવાભાવી છે.’
‘એથી તમને શું મળશે ?’ પેલા ભાઈએ પૂછ્યું, ‘હું તો તમને કંઈક આપવા માગું છું.’
અમેરિકન ભાઈએ સામેથી પૂછ્યું, ‘મને નહિ મળે ? મારા દેશનું ગૌરવ વધશે એટલે મને બધું જ મળશે.’
એ ઉત્તરે પેલા ભાઈને નિરુત્તર બનાવી દીધા.
અમેરિકન ભાઈ મોટર લઈને વિદાય થયા, પરંતુ એમણે પોતાના ઉત્તમ જીવનવ્યવહારથી જે સ્વર્ગીય સુવાસ છોડી એ એવીને એવી અક્ષય રહી ગઈ. એક દેશવાસીને પોતાના દેશનું કેટલું બધું ગૌરવ ? એમના દિલમાં પોતાના દેશને માટે કેટલો બધો પ્રેમ ? દેશના માટેનો એવો પ્રેમ અને દેશનું એવું ગૌરવ જે દેશના વાસીઓમાં પેદા થાય, અને એમના નાના મોટા બધા જ વ્યવહાર એથી પ્રેરિત થઈને થાય, એ દેશને સુખી તથા સમૃદ્ધ બનતાં કે આગળ વધતાં વાર ના લાગે. એ દેશ પર ઈશ્વરના આશીર્વાદ ઉતરે.
અમેરિકા જેવા બીજા દેશો ધર્મપરાયણ નથી મનાતા પરંતુ ભારત તો પહેલેથી જ ધર્મપરાયણ કહેવાય છે. એ દેશને સેવાધર્મનો સંદેશ આપવાનો ના હોય. સેવાધર્મ તો એને વારસામાં જ મળેલો છે. છતાં પણ આજે એની પરિસ્થિતિ કેવી છે તે સૌ જાણે છે. ભારતની જનતા, ભારતની પ્રત્યેક વ્યક્તિ પણ આવી રીતે પોતાના નાના મોટા પ્રત્યેક કર્મ કે જીવનવ્યવહારમાં દેશપ્રેમ, દેશહિત અથવા દેશના ગૌરવને લક્ષમાં રાખીને પ્રવૃત થાય તો ? દેશનું કલેવર સાચે જ બદલાઈ જાય ને વધારે ઉત્તમ થાય એમાં શંકા નથી. આખરે તો દેશની એકેક વ્યક્તિ ભેગી મળીને જ દેશનું નિર્માણ કરતી હોય છે.
- શ્રી યોગેશ્વરજી

