પરમહંસ યોગાનંદ બંગાળમાં જન્મેલા. એ મહાપુરુષે પોતાના પાછલા જીવનમાં વરસો સુધી અમેરિકામાં વસવાટ કરીને સ્વામી વિવેકાનંદ અને રામતીર્થ જેવા પ્રતાપી મહાપુરુષોની પેઠે પશ્ચિમની પ્રજાને ભારતના આધ્યાત્મિક ગૌરવનો પરિચય કરાવવાનું અમુલખ કામ કરી બતાવ્યું.
એ લોકોપયોગી મહાકાર્યને લીધે એ અમર બની ગયા.
એમના આધ્યાત્મિક અનુભવોને અક્ષરદેહમાં અમર બનાવનારી એમની કીમતી કૃતિ ‘ઓટોબાયોગ્રાફી ઓફ એ યોગી’ આજે પણ સુપ્રસિદ્ધ છે.
એ કૃતિમાં એમણે એમની યુવાવસ્થાનો એક પ્રસંગ આલેખ્યો છે. તે ખાસ ઉલ્લેખનીય અથવા જાણવા જેવો છે. એ વખતે યોગાનંદે કોઈ ગુરુ નહોતા કર્યા.
ગુરુનું મહત્વ-ખાસ કરીને યોગની અંતરંગ સાધનામાં એ સારી પેઠે માનતા હોવાથી-જાણતા. ગુરુ કરવાની આકાંક્ષા તો એમને હતી જ, પરંતુ ગુરુ કરવા કોને ? એ બાબતમાં એ ઉતાવળ કરવા નહોતા માગતા. જ્યાં સુધી આંખને ઠારે અને અંતરને આરામ અથવા આનંદ આપે એવા ગુરુ ન મળે ત્યાં સુધી રાહ જોવી તથા શોધ ચાલુ રાખવી એ જ માર્ગ એમને યોગ્ય લાગતો.
એનો અર્થ એવો નથી કે કોઈ સત્પુરુષનો સમાગમ એ નહોતા કરતા. જુદા જુદા મહાત્માઓને એ મળતા તો ખરા જ. પરંતુ એમના અંતરને કોઈ પણ એટલું બધું આકર્ષી શકતું નહીં. એ સંતોનો સમાગમ કરતા તથા સ્વાધ્યાયનો આધાર લેતા.
એ દિવસોમાં એમને માસ્ટર મહાશયનો મેળાપ થયો. માસ્ટર મહાશય બીજા કોઈ જ નહિ પરંતુ રામકૃષ્ણ પરમહંસદેવના ચરિત્રકાર શ્રી મહેન્દ્રનાથ ગુપ્ત. એમણે એમના ગુરુ રામકૃષ્ણ પરમહંસદેવના જીવનના પ્રસંગો ને વાર્તાલાપો ‘ગોસ્પેલ ઓફ રામકૃષ્ણ’ નામના ગ્રંથમાં સમાવીને પ્રકટ કર્યા ત્યારથી અમર બની ગયા. એ ગ્રંથ દ્વારા એમણે જનતાની અસાધારણ સેવા કરી. એમનું પોતાનું વ્યક્તિત્વ અત્યંત અદભુત અને અનોખું હતું. એ વ્યક્તિત્વે યોગાનંદના હૃદય પર ખૂબ જ ઊંડી અસર કરી દીધી.
એમના ગુરુ રામકૃષ્ણદેવના આદેશાનુસાર એ ગૃહસ્થાશ્રમમાં જ રહેતા તો પણ જગદંબાની કૃપા તથા સાધના દ્વારા ભલભલા ત્યાગીઓ કે સંન્યાસીઓને પણ શરમાવે એવી ઉચ્ચોચ્ચ અવસ્થાએ પહોંચેલા. જીવનના રહસ્યનો ઉકેલ કરી એ સનાતન શાંતિના સ્વામી બનીને પોતાના જીવનને એક આદર્શ, આપ્તકામ કે કૃતાર્થ માનવની જેમ યાપન કરતા. એમનો પ્રબળ પ્રભાવ યુવાન યોગાનંદ પર પડ્યા વિના રહ્યો નહિ.
યોગાનંદ એમના ચમત્કારિક વ્યક્તિત્વથી મંત્રમુગ્ધ થઈને એમની પાસે અવારનવાર જવા માંડ્યા. એમના સદુપદેશોને એ સાંભળતા અને એમના શાંત સહવાસમાં પોતાની શક્તિ ને અધિકાર પ્રમાણે શાંતિ મેળવતા.
ધીરે ધીરે એમની પુજ્યભાવના બળવાન બનતી ગઈ.
એક દિવસ એમણે માસ્ટર મહાશયને પોતાના ગુરુ બનાવવાનો સંકલ્પ કરી લીધો. એ સંકલ્પથી પ્રેરાઈને એ પીળાં ફુલની માળા લઈને એમની પાસે આવી પહોંચ્યા.
માસ્ટર મહાશય શાંતિથી ઓરડામાં બેઠેલા ત્યાં આવી એમણે પેલી માળા કાઢીને એમને ભારે ઉમળકાપૂર્વક પહેરાવવાનો પ્રયાસ કર્યો. પરંતુ માસ્ટર મહાશયે એ માળાનો સ્વીકાર ન કર્યો. એ પાછા ખસી ગયા.
એ દેખીને યોગાનંદને ઘણું દુઃખ થયું. દુઃખ થાય એ તદ્દન સ્વાભાવિક હતું. એમના દુઃખને જાણી લઈને માસ્ટર મહાશય બોલ્યા :
‘તારા દુઃખને સમજી શકું છું, પરંતુ જે સંકલ્પથી તું મને માળા પહેરાવે છે તે સંકલ્પ બરાબર નથી. હું તારો ગુરુ થઈ શકું તેમ નથી.’
‘તો પછી મારા ગુરુ કોણ થશે ?’ યોગાનંદથી પૂછ્યા વગર ન રહી શકાયું.
‘તને તારા ગુરુ થોડા વખત પછી આપોઆપ મળી રહેશે. એ તને ઓળખી કાઢશે ને પોતાનો પરિચય કરાવશે. પૂર્વસંબંધથી એ તારી સાથે ગુરુભાવે સંકળાયેલા છે. હું તને ઉપદેશ આપી માર્ગ બતાવી શકું પણ તારો ગુરુ ન થઈ શકું.’
માસ્ટર મહાશયના શબ્દો સાંભળી યોગાનંદને નવી લાગણી થઈ આવી. એમનો એમને માટેનો પૂજ્યભાવ વધી ગયો. એ એમના ગુરુ બનવા તૈયાર ન થયા તો પણ યોગાનંદ ભાવભક્તિથી પ્રેરાઈને એમની પાસે નિયમિત રીતે જવા માંડ્યા.
માસ્ટર મહાશયની ભવિષ્યવાણી સાચી પડી ને એ પછી થોડેક વખતે યોગાનંદને આકસ્મિક રીતે જ એમના ગુરુ યુક્તેશ્વર મહારાજની પ્રાપ્તિ થઈ. ગુરુએ પોતાનો પરિચય કરાવ્યો અને એમનો શિષ્ય તરીકે પણ સ્વીકાર થયો.
માસ્ટર મહાશયના વ્યક્તિત્વને વર્ણવતો આ પ્રસંગ કેટલો બધો અનોખો છે ? એમાં એમની અસાધારણ નમ્રતા, નિરભિમાનતા, અખંડ જાગૃતિ અને કાળની પાર જોઈ શકવાની વિશેષ શક્તિનું દર્શન થાય છે. યોગાનંદે એ પ્રસંગનો ઉલ્લેખ કરીને માસ્ટર મહાશયની શક્તિનો પરિચય કરાવ્યો છે. ગુરુ કરવાની લગનીવાળા શિષ્યો તો ઘણા મળે અને શિષ્યો કરવાની ઈચ્છાવાળા ગુરુઓ પણ અનેક મળી રહે-પરંતુ ગુરુભાવથી પર રહીને બીજાને સેવાસહાયતા કરવાની વૃતિવાળા માસ્ટર મહાશય જેવા પ્રાતઃસ્મરણીય પુરુષો તો કોઈ વિરલા જ હોય. તે તો મળે કે ના પણ મળે.
- શ્રી યોગેશ્વરજી

