if (window.top.location.href !== window.self.location.href && !window.top.location.href.startsWith('https://mail.swargarohan.com/')) { window.top.location.href = window.self.location.href; }

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

ચરોતરના સંદેસર ગામમાં રહેનારા ભક્ત કવિ પ્રીતમદાસ.

એ પ્રજ્ઞાચક્ષુ હતા એવું કહેવામાં કેવળ રૂઢ શબ્દનો પ્રયોગ જ નથી થઈ રહ્યો પરંતુ સાચી વાત કહેવાઈ રહી છે, કારણ કે એમના અંતરચક્ષુ ઊઘડી ગયા હતા. બહારના જડ કે સ્થુલ લોચન બંધ હોવા છતાં અને જન્મથી જ અંધ હોવા છતાં એમને ઈશ્વરની પરમ કૃપાથી દૈવી દૃષ્ટિની પ્રાપ્તિ થયેલી. યોગદર્શનમાં જેને ઋતંભરા પ્રજ્ઞા કહેવામાં આવે છે અને જે કેવળ મનોનિગ્રહવાળા ને ઈશ્વરાનુગ્રહ પ્રાપ્ત પુરુષોને પ્રાપ્ત થાય છે તેની પ્રાપ્તિ તેમને થઈ ચુકેલી.

છતાં પણ એ રૂઢ ભાવમાં યોગી ન હતા. પરંતુ ભક્ત હતા. ભક્તિ દ્વારા એમણે ઈશ્વરનો અનુગ્રહ પ્રાપ્ત કરેલો. એમને ઈશ્વરની ઝાંખી થયેલી, ઈશ્વરના દર્શનનો આસ્વાદ મળેલો, અને એમની ઉપર ઈશ્વરની સંપૂર્ણ કૃપા થયેલી એમ કહીએ તો ચાલે.

એમના ભાવભક્તિ ભરપુર પદો ગુજરાતી સાહિત્યમાં સુપ્રસિદ્ધ છે અને અત્યંત સન્માનનીય સ્થાન ધરાવે છે. તો પણ એ જેટલા મહાન કવિ હતા એથીય મહાન ભક્ત હતા. ભક્તિ દ્વારા ઈશ્વરનો સાક્ષાત્કાર કરીને એ સિદ્ધાવસ્થાએ પહોંચ્યા હતા.

એ સિદ્ધાવસ્થાની પ્રતીતિ કરાવતા કેટલાય પ્રસંગો એમના જીવનમાં બનેલા છે. એમાંથી એક સુંદર પ્રસંગનું સ્મરણ અહીં કરીએ.

કહે છે કે ઈશ્વરના પૂર્ણ કૃપાપાત્ર પ્રીતમદાસ એકવાર મુસાફરી કરવા માટે નીકળેલા. મુસાફરી કરતા માર્ગમાં એમના રથની સામે કોઈ મહંતનો રથ આવતો દેખાયો.

એ મહંત કોઈક બીજા મોટા સ્થાનના મહંત હતા. એટલે એમનો રથ હાંકનારે પોતાના ગુરુને મોટા માની રથ એક તરફ પાછો હઠાવવા ના પાડી.

પરંતુ પ્રીતમદાસના શિષ્યો પણ એમ ક્યાં પાછા પડે એવા હતા ?  એમને મન પ્રીતમદાસથી શ્રેષ્ઠ સંત બીજા કોઈ નહોતા, એટલે એમણે પણ પ્રીતમદાસના રથને એક તરફ લઈને પેલા મહંતના રથને રસ્તો ના આપ્યો.

બંને રથ ત્યાં જ અટકી પડ્યા.

સામેના રથવાળા મહંતના શિષ્યો પ્રીતમદાસને માટે જેમ ફાવે તેમ બોલીને પોતાના ગુરૂની વધારે પડતી પ્રશંસા કરવા લાગ્યા.

પ્રીતમદાસને થયું કે મહંત અને એમના શિષ્યમંડળના મનમાં ઘણો ઘમંડ છે, જે દૂર કરવો જોઈએ.

દૈવયોગે એ વખતે એક ઘટના બની.

એ બંનેના રથની વચ્ચેના રસ્તામાં એક મરેલું કબૂતર પડેલું હતું.

પ્રીતમદાસને એની ખબર પડી એટલે એમણે કહ્યું, ‘તમારા મહંતને પોતાની શક્તિ કે યોગ્યતાનું અભિમાન હોય તો પોતાની શ્રેષ્ઠતા પુરવાર કરી બતાવવા માટે એ આ મરેલા પક્ષીને જીવન પ્રદાન કરે તો હું એમને માર્ગ આપી, સૌ પહેલાં આગળ વધવા દઉં.’

મહંતમાં એવી કોઈ શક્તિ ન હોવાથી એ કશું જ ન કરી શક્યા.

છેવટે પ્રીતમદાસે કહ્યું, ‘મારી અંદર પણ એવી કોઈ વિશેષ શક્તિ તો નથી, પરંતુ ઈશ્વર સર્વશક્તિમાન છે ને ધારે તે બધું કરી શકે છે. મને એમનામાં પૂરેપૂરો વિશ્વાસ છે.’

એમ કહીને એમણે મરેલા પક્ષી પર કપડું ઢાંક્યું તથા ઈશ્વરનું સ્મરણ કરીને પાણી છાંટ્યું કે તરત જ સૌના દેખતા એક અસાધારણ આશ્ચર્ય થયું ને પક્ષી જીવંત બની પાંખો ફફડાવી ઉડી ગયું. એ જોઈને બધા આભા બની ગયા ને પ્રીતમદાસને પગે લાગ્યા.

પ્રીતમદાસને કોઈ જાતનું અભિમાન ન હતું. મહંતના મિથ્યાભિમાનને ગાળવા માટે જ એમણે એટલી શક્તિનું પ્રદર્શન કરેલું. બાકી વ્યક્તિગત શક્તિ કે સિદ્ધિના પ્રદર્શનની લાલસા તો એમને હતી જ નહિ.

મહંતનો અહંકાર ઓગળી ગયો. પ્રીતમદાસના રથને એમણે પોતાના રથની પહેલાં જવા દીધો. વધુમાં એ પ્રીતમદાસના પ્રેમી તથા પ્રસંશક બની ગયા.

મોટાઈનું અભિમાન સૌને માટે ખરાબ છે. એમાંય સંત કે મહંતે તો એથી મુક્ત જ રહેવું જોઈએ અને એની અસર નીચે કદાપિ ન આવવું જોઈએ. એવો ઉપદેશ આપીને પ્રીતમદાસે આગળ પ્રયાણ કર્યું.

ગુજરાત એમને માટે ગૌરવ લઈ શકે એવા તે સાત્વિક સંત હતા.

 - શ્રી યોગેશ્વરજી

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.