ઈ.સ. ૧૯૪૯ની વાત છે.
તે વખતે હું હિમાલયના દેવપ્રયાગ ધામમાંથી નીકળી કાશ્મીરના પ્રખ્યાત તીર્થ અમરનાથનું દર્શન કરવા માટે ગયેલો. બરફના ઊંચા ઊંચા પર્વતોની વચ્ચે વસેલા એ તીર્થના દર્શનથી મને એક પ્રકારનો અકથ્ય આનંદ મળ્યો. તીર્થસ્થાનની વાત બાજુએ મૂકીએ તો પણ એ પ્રદેશનું પ્રાકૃતિક સૌંદર્ય એટલું બધું અસાધારણ, અસરકારક અને હૃદયસ્પર્શી છે કે વાત નહિ. એનું અવલોકન કરી મન મુગ્ધ બની જાય છે !
કાશ્મીરને સૃષ્ટિનું સ્વર્ગ શા માટે કહેવામાં આવે છે, તેની સમજ તેના પરથી સહેલાઈથી પડે છે.
કાશ્મીરનો પ્રવાસ કરી હું કલકત્તા ગયો, અને ત્યાં થોડા દિવસ રહી પછી જગન્નાથપુરી તરફ પ્રયાણ કર્યું. આ ધામ પણ સુંદર નથી એવું થોડું જ છે ? અલબત્ત હિમાલયની પેઠે ત્યાં હિમાચ્છાદિત કે અસાધારણ પર્વતો નથી, ગંગા પણ નથી, છતાં ગંગા જેમાં સમાવા અધીરી બને છે, અને બીજી નદીઓ પણ જેમાં પોતાના જલભંડાર ખાલી કરી છે, તે વિશાળ સાગર છે, અને આનંદમય એવી ભૂમિ છે. એ ભૂમિ સાથે સંકળાયેલો તથા સુષુપ્ત બની પડી રહેલો એવો ઈતિહાસ છે. એ ઉપરાંત વિશાળ, સ્વચ્છ અને સુંદર મંદિર છે. એને મંદિર કહો કે આધ્યાત્મિક પાવરહાઉસ કહો, બધું એક જ છે. કારણ અહીં કેટલાય સાધકો ને પ્રવાસીઓએ આવી પોતાના તૃષા ભરેલા પ્રાણને એ પ્રેમપરબનાં પિયુષપાનથી પુલકિત, પ્રસન્ન ને પાવન કર્યા છે. એટલે તો એ મંદિરની ભારતમાંના મુખ્ય ચાર મંદિરોમાં ગણતરી કરેલી છે.
એ મંદિરના દર્શનથી મને આનંદ થયો. આનંદ થાય એ સ્વાભાવિક હતું. એ આનંદના દિવસો કોઈ પાણીના રેલાની જેમ પસાર થવા લાગ્યા.
પરંતુ એ જ દિવસોમાં મારા ચિત્તમાં એક ચિંતા પેદા થઈ. વાત એ હતી કે ત્યારે લગભગ દરેક નવરાત્રીમાં હું પાણી પર રહી વ્રત કરતો. હવે નવરાત્રીના દિવસો પાસે હતા, પરંતુ તે દિવસો મારે ક્યાં પસાર કરવા તેનો નિર્ણય નહોતો થઈ શકતો. ભાદરવો મહિનો તો ઝડપથી પસાર થઈ રહ્યો હતો. ક્યાં રહેવું તેનો નિર્ણય કરવો જ જોઈએ.
દેવપ્રયાગમાં જે મકાનમાં હું રહેતો હતો, તે મકાનમાં જ રહેવાનું હોત તો કોઈ મુશ્કેલી ન હતી. પરંતુ તે મકાનમાં રહેવાનું અશક્ય હતું. વરસાદના તોફાનને લીધે દશા બગડી ગઈ હતી. અને એની આજુબાજુના કાચા રસ્તા તુટી ગયા હતા. તો પછી બીજે ક્યાં રહેવું ? ઋષિકેશ જવું કે પછી ગુજરાત તરફ પ્રયાણ કરવું ? કોઈ વાતના નિર્ણય પર નહોતું આવી શકાતું. છેવટે મેં એક ઈલાજ શોધ્યો. એ કામ ઈશ્વર પર છોડી દીધું. ભગવાન જગન્નાથના મંદિરમાં બેસી મેં સાચા દિલથી પ્રાર્થના કરી :
‘પ્રભુ ! લોકો તમારા દર્શન માટે દુર-દુરથી અહીં આવે છે તે પ્રમાણે હું પણ પ્રેમભક્તિથી પ્રેરાઈ આવી પહોંચ્યો છું. હવે તમારામાં સાચ હોય તો ત્રણ દિવસમાં મારી ભાવના પૂરી કરો. મને સ્પષ્ટ રીતે આદેશ આપો. મારે ક્યાં રહીને નવરાત્રીવ્રત કરવાનું છે ?’
આ પ્રમાણે ભગવાનને પ્રાર્થના કરી. એક દિવસ ગયો, બીજો ગયો, છતાં કાંઈ ન થયું. મારી ચિંતા વધી પડી. પરંતુ ઈશ્વરે કોના પર કૃપા નથી કરી ? એને દ્વારેથી કોણ નિરાશ થયું છે ? ત્રીજે દિવસે હું વહેલી સવારે પ્રાર્થના કરતો કરતો પથારીમાં બેઠો હતો, ત્યારે મારી સામે એકાએક શ્રી શારદાદેવી પ્રકટ થયા. શ્રી રામકૃષ્ણ પરમહંસદેવના ધર્મપત્ની.
એમણે મને કહ્યું, ‘કેમ ચિંતામાં પડ્યા છો ?’
મેં કહ્યું, ‘તમે જાણતા નથી શું ? નવરાત્રી ક્યાં કરવી તેની મને ખબર પડતી નથી.’
તેમણે કહ્યું, ‘નવરાત્રીનું વ્રત પાણી પર જરૂર કરવાનું છે, અને બીજે ક્યાંય નહિ, દેવપ્રયાગમાં જ કરવાનું છે. ત્યાં ચાલો.’
મેં કહ્યું, ‘આશ્રમની જગ્યા તો બગડી ગઈ છે.’
તેમણે કહ્યું, ‘આશ્રમમાં નથી રહેવાનું. દેવપ્રયાગમાં મોટર સ્ટેન્ડ પાસે જે શેઠનું મકાન છે, તેમાં રહેવાનું છે.’
મેં પૂછ્યું, ‘તે મકાન ખાલી છે ?’
‘ખાલી નથી.’ તેમણે કહ્યું, ‘એમાં એક અમલદાર રહે છે. પણ તમારી વ્યવસ્થા ત્યાં થશે. તમારે ત્યાં જ રહેવાનું છે. તે જ મકાનમાં.’
અને શારદાદેવી અદૃશ્ય થયા. બધી વાત મેં મારા માતાજીને કહી દીધી. તે મારી સાથે જ હતા.
મંદિરમાં જઈ મેં સ્તુતિ કરી અને ભાદરવા વદ અગિયારસે અમે દેવપ્રયાગ જવા ચાલી નીકળ્યાં. ઈશ્વરે મને અણીને વખતે ત્રણ દિવસમાં માર્ગદર્શન આપ્યું તેથી મારા જીવનમાં ઈશ્વરકૃપાનો એક વધારે યાદગાર પ્રસંગ ઉમેરાયો.
આપણા તીર્થોમાં ચેતન છે, તાકાત છે, કે કેવલ નિર્જીવ ને જડ છે ? ઘણા લોકો તરફથી એવા પ્રશ્નો પૂછવામાં આવે છે. તેમને હું સામેથી પૂછું છું કે તમારામાં કોઈ પ્રકારની તાકાત છે ? ચેતન છે ? કે પછી તમે પણ નિર્જીવ કે જડ છો ? તીર્થો જેવાં પહેલાં હતાં તેવાં જ આજે છે. પ્રાણથી ભરપૂર, પ્રેરણાત્મક ને શાંતિમય. ત્યાં જે દૈવી તત્વ છે તે પણ એવું જ પ્રાણવાન છે. તમારામાં જરા જેટલી પણ યોગ્યતા હશે, તો તમારે માટે તે પ્રાણદાયક થઈ પડશે. નહિ તો નકામા ને નિર્જીવ બનશે.
*
ક્યાં જગન્નાથપુરી ને ક્યાં દેવપ્રયાગ ? ભારતવર્ષના બે છેડા. એક પૂર્વનો છેડો ને બીજો ઉત્તરનો. એક બંગાળ અને બીજું હિમાલય. વચ્ચે એ બંને દૂર-સુદૂરના છેડાને સાંધી એક કરનારી ધરતી. એમાં કેટલાય ગામો ને કેટલાય નગરો. કેટલીય નદીઓ ને કેટલાય પર્વતો. કેટલાય પ્રકારના રીતરિવાજ, કેટલાં પ્રકારના પહેરવેશ ને કેટલી ભાષાઓ ? કેટલાં વન, કેટલાં ઉપવન, કેટલાં જંગલો ! એ બધાં વચ્ચેથી પસાર થનારી ગાડી કહી રહી હતી કે દેશ આટલો બધો વિશાળ અને વિવિધતાથી ભરેલો હોવા છતાં એક છે, અખંડ છે, અવિભાજ્ય છે. એના અવયવ ભલે જુદા જુદા દેખાતા હોય, પરંતુ એનો આત્મા એક છે. એનું હૃદય એક છે. એની સંસ્કૃતિ એનો શ્વાસોશ્વાસ અને ધડકાર પણ એક જ છે. દેશનો પ્રવાસ કરનાર કોઈ વિચારશીલ સ્ત્રીપુરુષ એ એકતાનો અનુભવ કરી શકે છે.
એ એકતાનું દર્શન કરતો હું છેવટે દેવપ્રયાગની પુણ્યભૂમિમાં આવી પહોંચ્યો. ઋષિકેશથી લગભગ પિસ્તાલીસ માઈલ દૂર, બદરીનાથ જવાના માર્ગ પર, અલકનંદા અને ભાગીરથીના સંગમ પર વસેલું દેવપ્રયાગ આંખ અને અંતરને આનંદ આપી રહ્યું. દેવપ્રયાગમાં આવેલા મારા આશ્રમમાં તો જવાય તેમ ન હતું. તેથી મોટર સ્ટેન્ડની પાસે રહેતા એક ભાઈને ત્યાં મેં મુકામ કર્યો.
બીજા દિવસથી જ નવરાત્રી શરૂ થઈ. જગન્નાથપુરીમાં શારદાદેવીએ કરેલી સૂચના પ્રમાણે મેં કેવળ પાણી પર રહી ઉપવાસ પણ શરૂ કરી દીધા. છતાં મનમાં ચિંતા તો હતી જ. મકાનનો પ્રશ્ન હજુ ઉકલ્યો ન હતો. પણ એમ કાંઈ ચિંતા કરીને બેસી રહે તે ચાલે ? જે શક્તિ આટલે દૂર ખેંચી લાવી છે, તે બધી જરૂરી વ્યવસ્થા કરશે જ, એવો વિશ્વાસ હૃદયમાં કામ કરી રહ્યો હતો.
એ વિશ્વાસથી પ્રેરાઈને હું બીજા બે ભાઈઓને સાથે લઈ ઉપવાસને પહેલે દિવસે જ આશ્રમ તરફ ચાલી નીકળ્યો. મને થયું, જોઉં તો ખરો કે આશ્રમમાં જવાનો રસ્તો છે કે નહિ ? આશ્રમ મોટર સ્ટેન્ડથી પર્વતની અંદર પશ્ચિમ દિશામાં છેક જંગલમાં હતો અને ત્યાં જતાં રસ્તામાં એક શેઠનું મકાન આવતું હતું. એ મકાનમાં એક કાશ્મીરી રેશનીંગ ઈન્સપેક્ટર ભાડે રહેતા. તે વાતની જાણ મને દેવપ્રયાગ પહોંચ્યા પછી થઈ હતી. એટલે જગન્નાથપુરીમાં શારદાદેવીએ દર્શન આપીને જે કાંઈ કહ્યું હતું તેનો એટલો ભાગ તો સાચો ઠર્યો.
પરંતુ એથી શું ? બીજો મહત્વનો ભાગ હજુ બાકી હતો. શારદાદેવીએ કહેલું, ‘એ ભાઈ મને પોતાની સાથે એ મકાનમાં રાખશે.’ તે કેવી રીતે થઈ શકે ? જો કે ઈશ્વર માટે કશું અસંભવિત નથી છતાં એ વિચાર મને સહેજે આવી ગયો.
એ વિચારમાં રમતો રમતો આશ્રમ તરફના રસ્તા પરથી હું શેઠના મકાન આગળ પાછો આવ્યો, ત્યાં તો એક ઘટના બની. મકાનના ઓરડા આગળનો પડદો ઊંચો કરી પેલા કાશ્મીરી ઈન્સપેક્ટર બહાર આવ્યા ને મને પગે લાગી કહેવા માંડ્યા : ‘ઉસ આશ્રમમેં ક્યા આપ હી રહતે હૈ ?’
મેં કહ્યું : ‘હાં, લેકિન અબ તો વહાં જાનેકા રાસ્તા હી બીગડ ગયા હય, તો વહાં નહિ રહા જાતા.’
એ મને અત્યંત આગ્રહ કરીને મકાનની અંદર લઈ ગયા. એ જિજ્ઞાસુ હતા. મારી સાથે એમણે થોડી વાતચીત કરી અને પછી પોતાની મેળે જ કહેવા લાગ્યા : ‘મેરી એક પ્રાર્થના હૈ.’
‘ક્યા ?’ મેં પૂછ્યું.
‘આપ યહાં હી રહીએ, ઈસી મકાનમેં. મકાન બહુત બડા હૈ. મુજે કોઈ તકલીફ નહિ હોગી.’
મેં કહ્યું, ‘મકાન મોટું છે એ સાચું પણ આવતી કાલથી હું મૌનવ્રત રાખવાનો છું.’
તે કહેવા માંડ્યા, ‘મૌન રાખશો તેથી મારે શું ? હું દિવસમાં એકાદ વાર તમારું દર્શન કરીશ તો પણ મને આનંદ થશે.’
છેવટે એમના આગ્રહ આગળ મેં નમતું મૂક્યું. મારા કહેવાથી એમનો ફરનીચરવાળો મુખ્ય ખંડ એમણે મારે માટે ખાલી કરાવ્યો. એમના નોકરને મોકલી મારો બધો જ સામાન મંગાવી લીધો. એ દિવસે રાતથી મેં ત્યાં રહેવા માંડ્યું.
ઈશ્વરકૃપાની શક્તિ એવી અજબ છે. એ કઈ જગ્યાએ, ક્યારે, કોને માટે અને કેવી રીતે કામ કરે છે એ એક કોયડો છે. બુદ્ધિ એને સમજી શકે છે ખરી, પણ એનો પાર પામી નથી શકતી. એ એક એવું રહસ્ય છે, જેનો ઉકેલ ઈશ્વરના ભક્તો સિવાય બીજા કોઈથી નથી કરી શકાતો. એ કૃપાનો લાભ લેવો હોય તો ઈશ્વરના ભક્ત, પ્રેમી કે શરણાગત બનો, અને જીવનને એને માટે જ યાપન કરો. વાતો કે વાદવિવાદોથી કશું નહિ વળે. જીવનને એના રસથી રંગી દો, એટલે તમારી બધી ચિંતા ને સંભાળ એ રાખ્યા કરશે. મારો આવો અનુભવ છે.
શારદાદેવીની સૂચના પ્રમાણે કાશ્મીરી ભાઈ સાથે હું એ મકાનમાં રહ્યો અને નવરાત્રીના મારા ઉપવાસ પણ ત્યાં જ પૂરા થયા. દોઢ મહિનો એ મકાનમાં જ રહ્યો.
- શ્રી યોગેશ્વરજી

