अथेन्द्रमब्रुवन्मघवन्नेतद्विजानीहि किमेतद्यक्षमिति ।
तथेति तदभ्यद्रवत्तस्मात्तिरोदधे ॥११॥
athendram abruvan maghavann etad vijanihi
kim etad yaksham iti.
tatheti tad abhyadravat tasmat tirodadadhe.
કહ્યું ઈન્દ્રને દેવોએ, હે ઈન્દ્ર, તમે જ હવે જાઓ,
જાણી લાવો કોણ યક્ષ છે, ઈન્દ્ર કહી સારું, ચાલ્યો.
પરંતુ પાસે આવ્યો ત્યાં તો અદૃશ્ય થઈ યક્ષ ગયો,
વાત પણ કરી નહીં, કેમ કે બહુ અભિમાની ઈન્દ્ર હતો. ॥૧૧॥
અર્થઃ
અથ - એ પછી
ઇન્દ્રમ્ - ઇન્દ્રને
અબ્રુવન્ - દેવોએ કહ્યું
મઘવન્ - હે ઇન્દ્રદેવ !
એતત્ - એ વાતને
વિજાનીહિ - જાણી લો
એતત્ - આ
યક્ષમ્ - યક્ષ
કિમ્ ઇતિ - કોણ છે. (ત્યારે ઇન્દ્રએ કહ્યું)
તથા ઇતિ - સારું
તત્ અભ્યદ્રવત્ - એ યક્ષ પાસે પહોંચ્યા. (પરંતુ યક્ષ)
તસ્માત્ - એમની આગળથી
તિરોદધે - અદૃશ્ય થઇ ગયો.
ભાવાર્થઃ
દેવો નિરાશ થઇને પાછા પડે તેવા ન હતા. યક્ષની માહિતી મેળવવાનો તેઓ નિર્ણય કરી ચુકેલા. એટલે એમણે એમના અધીશ્વર ઇન્દ્રને એ કામ સોંપ્યુ. ઇન્દ્રને થયું કે હું તો મારી સવિશેષ શક્તિથી યક્ષનું રહસ્યોદઘાટન કરીશ જ. એમને સ્વાભાવિક રીતે એમની શક્તિનું અભિમાન હતું. પરંતુ એ અભિમાન પર કઠોર કુઠારાઘાત કરતો હોય તેમ, યક્ષ એમની આગળથી, એ પાસે પહોંચે એ પહેલાં જ અદૃશ્ય થયો. બીજા દેવોની સાથે તો એણે વાર્તાલાપ પણ કર્યો, પરંતુ એમના અધિપતિને વાર્તાલાપનો અવસર પણ ના આપ્યો. એ જોઇને ઇન્દ્રને વિસ્મય થયો.

