स तस्मिन्नेवाकाशे स्त्रियमाजगाम बहुशोभमानामुमाँ ।
हैमवतीं ताँहोवाच किमेतद्यक्षमिति ॥१२॥
sa tasminn evakashe striyam ajagama
bahu-shobhamanam umam haimavatim
tam hovaca kim etad yaksham iti.
એ જ યક્ષને બદલે ઈન્દ્રે રૂપવતી કો’ સ્ત્રી જોઈ,
અતિશય સુંદર, હિમાલયતણી પુત્રી દેવીને જોઈ;
આકાશમહીં ઊભી હતી એ ઉમા નામની રૂપવતી,
કોણ હતો એ યક્ષ, પૂછ્યું એ કન્યાને ઈન્દ્રે જલદી. ॥૧૨॥
અર્થઃ
સઃ - તે ઇન્દ્ર
તસ્મિન્ એવ - એ જ
આકાશે - આકાશ પ્રદેશમાં
બહુશોભાનામ્ - અત્યંત સૌંદર્યમયી
સ્ત્રિયમ્ - સ્ત્રી
હૈમવતીમ્ - હિમાલય કુમારી
ઉમામ્ - ઉમા પાસે
આજગામ - આવી પહોંચ્યા
તામ્ - તેને
ઉવાચ - કહ્યું
એતત્ - એ
યક્ષમ્ - યક્ષ
કિમ ઇતિ - કોણ હતો
ભાવાર્થઃ
યક્ષને પોતાની આગળથી અદૃશ્ય થયેલો જોઇને ઇન્દ્રને આશ્ચર્ય સાથે દુઃખ તો થયું જ, પરંતુ એ દુઃખ સ્વલ્પ સમયમાં જ સુખમાં પરિણમ્યું. એમણે જોયું તો યક્ષના સ્થાન પર અતિશય સૌંદર્યમયી હિમાલયપુત્રી ઉમાદેવી દેખાઇ. એને બ્રહ્મવિદ્યાના મૂર્તિમંત સ્વરૂપ જેવી સમજીને એ પ્રસન્નતાપૂર્વક જિજ્ઞાસાથી પ્રેરાઇને એની પાસે પહોંચ્યા. એ એની વિશેષ શક્તિથી યક્ષના વાસ્તવિક સ્વરૂપ સંબંધમાં પ્રકાશ પાડી શકશે એવી વિશેષ આશાથી એમણે એની માહિતી આપવાની પ્રાર્થના કરી.

