સૂત્રે સુમનને જણાવ્યું
આપણે બંને સંપીને સ્નેહની સાથે રહીએ તો?
કેટલાં બધાં શોભી ઊઠીએ, આશીર્વાદરૂપ થઈએ?
સુંદર સુવાસિત સુમને મોં મચકોડ્યું.
એની પ્રત્યે અવજ્ઞાસૂચક પારુષ્યનું પ્રદર્શન કર્યું.
સૂત્ર સમજીને શાંત જ રહ્યું.
પરંતુ સ્વલ્પ સમયમાં જ
સુમનને અન્ય સૌરભસભર સુમનો સાથે
માળીએ એ જ અવજ્ઞાપ્રાપ્ત સૂત્ર સાથે પરોવ્યું.
એની મનહર માળા કરીને એને દેવમંદિરે ચઢાવ્યું.
સૂત્રે એનાતરફ અનેરા આત્મસંતોષ સાથે અવલોક્યું
પરંતુ સુમન શાંત જ રહ્યું.
એનાથી કશું કહી ના શકાયું.
–© શ્રી યોગેશ્વરજી (‘દર્પણ’)

