બે વેદાંતવેત્તા વાતે વળગેલા.
એક અતિશય વિદ્વાન,
બીજા સામાન્ય અક્ષરજ્ઞાની પરંતુ સ્વાનુભવસંપન્ન.
પહેલાએ જણાવ્યું પરમાત્મા સઘળે વ્યાપક છે,
સૌ પ્રત્યે પ્રેમ સૌના પ્રત્યે કરુણા રાખો.
બીજાએ શાંતિ રાખી.
એટલામાં તો આમ્રવૃક્ષની નીચે બેઠેલા એ વેદવિદ્વાને
આમ્રફળને મેળવવા માટે વૃક્ષ પર પથ્થર માર્યો.
બીજો એથી બૂમ પાડી ઊઠ્યો,
અરે મને વાગ્યું, ખૂબ જ વાગ્યું,
અંતરના અંતરતમમાં વાગ્યું.
પહેલો ક્રોધે ભરાયો.
હું કેરી પાડું છું ને તું વચ્ચે આવે છે?
બીજો રડવા લાગ્યો.
–© શ્રી યોગેશ્વરજી (‘દર્પણ’)

