જીવનભર મારી જ શાંતિ સારુ સાધના કરું
એના કરતાં અશાંતની સ્વલ્પ પણ શાંતિ માટે કોશિશ કરું, તો કેવું સારું!
જીવનભર મારા જ સુખોપભોગની ભાવનાથી પ્રેરાઈને પ્રયાસ કરું
એનાં કરતાં દુઃખીના દુઃખનિવારણનો થોડોક પણ પ્રયત્ન કરું, તો કેવું સારું!
જીવનભર મારી જ મુક્તિ માટે, પૂર્ણતા પરમપદ માટે પુરુષાર્થ કરું
એના કરતાં બદ્ધને મુક્ત કરવા, અપૂર્ણને પૂર્ણ કરવા,
બીજાને ઉત્તમ પદ ધરવા મહેનત કરું, તો કેવું સારું!
જીવનભર મારે માટે જ છાયાને સુરક્ષિત રાખું
એના કરતાં સંતપ્તને માટે છાયા કરું, છાયા બનું, છાયા ધરું, તો કેવું સારું!
પરબના પીયુષપાણીને આજીવન પીધા જ કરું
એના કરતાં કોઈની પરબ બનું, પરબ કરું, તો કેવું સારું!
જીવનભર અન્યનું આલંબન લઉં, અન્યનો આશ્રય લઉં,
એના કરતાં આશ્રયહીનનો આશ્રય બનું, અન્યનું આલંબન થઉં, તો કેવું સારું!
જીવનભર મારા આનંદાનુભવ માટે જ મનોરથ કરું,
એના કરતાં આનંદની અપેક્ષાવાળાના આનંદ માટે મહેનત કરું, તો કેવું સારું!
અન્યની શાંતિ, સુખાકારી, મુક્તિ, પૂર્ણતા, સદગતિ, છાયા, પરબ
આલંબનવૃત્તિ, પ્રસન્નતામાં અંતરાય ના બનું
સાધક નહિ તો બાધક તો ના જ થઉં, તો કેવું સારું!
–© શ્રી યોગેશ્વરજી (‘દર્પણ’)

