જીવનનો સુરદુર્લભ સોનેરી સમય છે
એને આમ અધિક અલગ થઈને
દૂર રહીને વેડફી ના નાખો
જીવનનો જે અમુલખ અમૃતમય અવસર છે
એને આમ વિયોગની વિપરીત વિપળોમાં વેડફી ના નાખો
એકમેકની પાસે જ રાખો.
કેટકેટલા સદભાગ્યથી સાંપડે છે આ સુવર્ણ સમય?
જંતુઓમાં નરજન્મ દુર્લભ.
એમાં વળી તમારો પ્રેમ તલસાટ
અસાધારણ અખંડ અનુરાગ,
અશ્રુ આહ અનિદ્રા.
એને તમારા આશ્લેષથી આનંદ ધરો સફળ કરો,
વધારે ને વધારે વહેલી તકે સાથે રહીને સાર્થકતા ધરો.
વખતે વીતે છે એ ઉત્સવને ઓછો કરે છે,
પળો પસાર થાય છે એ મિલનની માધુરીને હરે છે.
જીવન મૃત્યુ ઠરે છે.
સાચેસાચ સમજુ છો, સ્નેહી છો,
તો વિપળનોય વિલંબ ના કરો,
કોઈવાર કોઈયે કારણે અલગ ના બનો, દૂર ના રહો.
જીવનના સારદુર્લભ શેષ સમયને સાર્થક શાશ્વત કરો
જીવન ધરો.
–© શ્રી યોગેશ્વરજી (‘દર્પણ’)

