તમારે જ હાથે ખવડાવો પ્રેમપ્રસાદ મને.
આ છેક સુકાયું, વળી સુકાઈ નિશદિન જાય તને.
હવે તો તમારે જ હાથે ખવડાવો પ્રેમપ્રસાદ મને.
ઉપવાસી છું અનેક દિનનો,
ક્ષુધા ન કેમ શમે;
કૃપા કરી અમૃત આપો તો
તનમન આજ જમે ... હવે તો.
ભાવ ભરી પ્રત્યેક પ્રભાતે,
તલસું આર્ત સ્વરે;
પ્રતીક્ષા કરું રસમય રાતે,
દર્શન મધુર મળે ! ... હવે તો.
અન્ન અલૌકિક આજ જમાડો,
તૃપ્તિ મધુર મળે;
ઉપવાસ બને સાર્થક મારા,
અંતર હરખ ભરે ... હવે તો.
નવા વિચારો ભાવો પ્રકટે,
રાગ નવો જનમે;
નવું રક્ત ને શ્વાસ નવો હો,
પ્રકટો આજ તમે ! ... હવે તો.
હવે તો તમારે જ હાથે ખવડાવો પ્રેમપ્રસાદ મને,
આ ‘પાગલ’ બાલકનાં પલટાવો તન-મન-અંતરને.
- © શ્રી યોગેશ્વરજી

