તમારે ગમે તેમ કરી મને તો તારવો પડશે.
તમારો મિલનરસ રેલી વિરહને મારવો પડશે. ... તમારે.
લગીરે લાયકાત નથી તમારે કાજ મારામાં;
કહી દીધું તમોને ક્યારથી ના સાર મારામાં;
છતાંયે તમારો માની મને ઉદ્ધારવો પડશે. ... તમારે.
નથી વિજ્ઞાન જ્ઞાન વળી મુજમહીં છે ન ભક્તિ ભરી;
છતાં વ્યાકુળ બની બેઠો તમારી આશ એક કરી;
નયનથી નેહ વરસાવી મને રીઝાવવો પડશે; ... તમારે.
તમારું રૂપ જોવાની તરસ તીખી મને લાગી,
વળી બે વાત કરવાની અનેરી કામના જાગી;
શમાવી તે તમારે પ્રેમથી પંપાળવો પડશે. ... તમારે.
તમોને ગેરલાભ નથી, પરિશ્રમ પણ જરીય નથી;
નવી કૈં આ નથી કથની : ગયા પ્રેમી ઘણાય કથી;
લઈને લક્ષમાં તેને ચરણમાં ધારવો પડશે. ... તમારે.
કહે ‘પાગલ’ વિલંબ કરી ફજેતી ના કરો ભારી;
વ્યથામાં વૃદ્ધિ ના કરશો કઠોર થઈ વળી મારી;
તમારો છું, તમારાને સદાય ઉજાળવો પડશે. ... તમારે.
- © શ્રી યોગેશ્વરજી

