તમે તો ખૂબ લગાડી વાર !
ઝંખી ઝંખી ધીરજ ખૂટી, નેન મટી જલધાર ... તમે તો.
દર્દ દિલમહીં દેખી લો તો કેવું થાય અપાર,
મીઠું તેમાં તમે નાખતાં, શો લાગે છે સાર ! ... તમે તો.
કહે તમોને કૃપાળુ તેમજ પ્રેમી કરુણાગાર,
કૃપા તમારી મટી ગઈ શું? ના આપો આધાર ! ... તમે તો.
એક મને તારી લેવામાં આવો દીર્ઘ વિચાર?
જોયા કરતાં કેમ પતિતને, સદ્ય કરી દો પાર ... તમે તો.
વ્યાપાર બધા છોડી આવો દોડીને તત્કાળ,
રાખો આજે લાજ ઉભયની, ના જ થવા દો હાર ... તમે તો.
‘પાગલ’ કહે કરી દો મારો જ્યાં લગ ના ઉદ્ધાર,
ચેન ન પડશે ત્યાં લગ મુજને, માફ કરો ઉદ્ગાર ! ... તમે તો.
- © શ્રી યોગેશ્વરજી

