દર્શન કેમ મને ના થાય ?
ગમે તેમ પણ કરવું મારે,
અભિલાષા ના જાય ... દર્શન.
અનેકને છે થઈ ગયું તો
કેમ મને ના થાય?
હસે રડે તે, તપે આજ તે
જરૂર પામે છાંય ... દર્શન.
લિખિત થયેલા લેખ મટે ના,
કરતાં કોટિ ઉપાય;
મિલન આપણું નિશ્ચિત સાચે,
કેમ પછી ના થાય ? ... દર્શન.
આજ આંસુ આક્રંદ ભલે હો
છેક સુકાયે કાય;
કાલ પ્રભાત પ્રકટશે ન્યારું;
આશા કેમ જ જાય ? ... દર્શન.
સૂર્યપ્રકાશે તિમિર ટળે ને
શરદી સઘળી જાય;
રૂપ તમારું તેમ પ્રકટતાં
શોક ન કેમ વિલાય ? ... દર્શન.
કૃપા વરસતાં દુર્લભ જેવું
દર્શન સહજ કરાય;
કૃપા થશે ‘પાગલ’ પર પૂરી,
સંશય નથી જરાય ! ... દર્શન.
- © શ્રી યોગેશ્વરજી

