દયાળુ દીનબંધુ ભગવાન !
પરવરદિગાર, પરગજુ, પ્રેમી, પૂરણ, કૃપાનિધાન.
ભક્તનવત્સલ, ભાવનિકેતન, સર્જનકેરા સાર;
શાસ્ત્ર સંત સજ્જન કોઈ યે પામી ન શક્યા પાર ... દયાળુ.
બેઠો પ્રેમી બાલ તમારો એક અહીંયાં આજ,
હિમાલયતણા શાંત સ્થળમહીં ગંગાનું જ્યાં રાજ ... દયાળુ.
ચિંતામગ્ન બન્યો કૈં દિનથી, છેક સુકાયું વાન;
જરા સમય કાઢીને એના તરફ દઈ દો ધ્યાન ... દયાળુ.
યાદ તમોને કરી રહ્યો એ તન્મય કરતાં પ્રાણ;
સ્તવે તમોને, આતુર મળવા, છેક થયો હેરાન ... દયાળુ.
દુઃખ ન દેખી શકતા કોનું વાર્તા એ છે ખ્યાત;
હૃદય તમારું કોમળ એવું, સુણજો એની વાત ... દયાળુ.
ભક્તોની રક્ષા કરવાને રોજ રહો તૈયાર,
સાચી વાત કરી દો આજે કરી કષ્ટથી પાર ... દયાળુ.
અંધકારમાં પ્રકાશ કરતાં આજ પધારો નાથ,
ચંદનશીતલ સુમનસુવાસિત સ્પર્શે ભીડો બાથ ... દયાળુ.
‘પાગલ’ની પાસે પ્રકટી લો દેવા જીવનદાન ... દયાળુ.
- © શ્રી યોગેશ્વરજી

