દર્શન દુર્લભ કેમ થયું?
આટઆટલા પ્રેમીજનને
છેક જ સુલભ થયું;
થયું દોહ્યલું મુજ ખાતર તે,
કપરું કેમ કર્યું ? ... દર્શન.
ખુલ્લે હાથે કૃપામૃત તમે
કૈં જન કાજ ધર્યું;
બિંદુ ધરો ના મુજને શાને,
અંતર કૃપણ કર્યું ? ... દર્શન.
અનેક તપ્ત શ્રમિતને ઉરમાં
આસન તમે ધર્યું;
મારે કાજ જગા શું ખૂટી ?
કેમ ન સ્થાન મળ્યું ? ... દર્શન.
ભાગ્યોદય ના હજી થયો કાં,
કષ્ટ તમે ન હર્યું ?
મિલન મહોત્સવના રસથી ના
કેમ પ્રભાત ભર્યું ? ... દર્શન.
નેન નિહાળી તમને હસશે,
બનશે ઉર રસિયું;
જડતા મટશે ક્યારે, ક્યારે
દેખું સ્વપ્ન ફળ્યું ? ... દર્શન.
દર્શન વિના દર્દ મટશે ના,
ચેન હશે ન મળ્યું;
‘પાગલ’ દર્શન સુલભ કરી દો
આશીર્વાદભર્યું ! ... દર્શન.
- © શ્રી યોગેશ્વરજી

