Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

છેલ્લાં સો જેટલાં વર્ષોની અંદર ભારતવર્ષે જે લોકોત્તર વિરાટ વિભૂતિઓનું દાન કર્યું, તેમાંના એક મહાપ્રતાપી મહાપુરુષ, બુદ્ધિની તીક્ષ્ણતામાં જે શંકરાચાર્યની બરોબરી કરી શકે, હૃદયની કરુણા કે કોમળતામાં ઈશુની સાથે બેસી શકે અને વિરક્તિમાં જે શુકદેવ, દત્તાત્રેય કે અષ્ટાવક્રની સરખામણીમાં ઊભા રહી શકે તેવા. ભારતના છેલ્લા સો વરસના સાંસ્કૃતિક અથવા આધ્યાત્મિક ઈતિહાસમાં જેમનું નામ સુવર્ણાક્ષરે લખાયેલું છે, તે ભારતના બે સમકાલીન મહાપુરુષો, વિવેકાનંદ અને રામતીર્થ. બંને પોતપોતાની રીતે અસાધારણ. પોતપોતાની વિશેષ પ્રતિભાથી સંપન્ન તેઓ એક વાર લાહોરમાં ભેગા થઈ ગયા.

એ વખતે સ્વામી વિવેકાનંદ અમેરિકા ને ઈંગ્લાંડમાં, ભારતીય ધર્મ ને તત્વજ્ઞાનનો વિજયધ્વજ ફરકાવીને, ભારતમાં તાજા જ પાછા ફર્યા હતા. લોકો એમને માનપત્ર આપતા’તા, અને સંસ્થાઓ એમનું સ્વાગત કરતી’તી. લાહોરમાં પણ એમનું પ્રવચન ગોઠવવામાં આવ્યું હતું. લોકોની મેદની એ વેદાંતકેસરીની વાણી સાંભળવા ભેગી થઈ હતી. રામતીર્થ પણ એ સંમેલનમાં સામેલ થયા હતા. લાહોરની કોલેજના મેથેમેટીક્સના પ્રોફેસર હોવા છતાં એ અવારનવાર હરિદ્વાર ને ઋષિકેશની મુલાકાત લેતા, અને આત્મિક વિકાસ કર્યે જતા.

વિવેકાનંદની વાણી સાંભળીને એ આનંદ પામ્યા. ઝવેરીએ હીરાને ઓળખ્યો, પરંતુ રામતીર્થ પોતે પણ ક્યાં હીરા જેવા ન હતા ?  વિવેકાનંદે એમના આત્માને ઓળખી લીધો. ‘ઉચ્ચોચ્ચ આત્મા’ એમણે ઉદગાર કાઢ્યા.

રામતીર્થે વિવેકાનંદને ઘડિયાળની ભેટ આપી. વિવેકાનંદે તે લેવાની ના પાડી. જેમ તેમ કરીને એમણે એમને સમજાવ્યા અને કહ્યું, ‘તમારી પાસે ઘડિયાળ છે તે મારી પાસે જ છે ને ? આપણા બંનેમાં ક્યાં કાંઈ ભેદ છે ? હું રાખું તેના કરતાં તમે જ સાચવો તે સારું છે.’

રામતીર્થ માની ગયા. પરંતુ વિવેકાનંદના ત્યાગ, જ્ઞાન ને નિર્મળ ચારિત્ર્યની એમના પણ ઘણી ભારે અસર થઈ. દેશ માટે કાંઈ કરી છુટવાની, ને સૌથી પહેલાં તો એકાંતવાસનું સેવન કરવાની એમને ભાવના થઈ.

એ ભાવનાથી તીર્થરામે પ્રોફેસરપદ છોડી દીધું. તીર્થરામમાંથી એ રામતીર્થ થયા. હિમાલયની વશિષ્ઠ ગુફા તથા ટિહરીના જંગલોમાં રહી આકરી તપશ્ચર્યા કરી એમણે શાંતિ મેળવી. તે પછી, પરમાનંદ ને પરમ શાંતિની મૂર્તિ બનીને, ભારતની બહાર પ્રયાણ કર્યું.

અમેરિકા એમની પાછળ ગાંડું બન્યું. ભગવાં વસ્ત્રધારી સ્વામી રામતીર્થને જોવા તથા સાંભળવા લોકોનાં ટોળેટોળાં આવવા માંડ્યા. હરખઘેલા લોકો એમના અદભુત વ્યક્તિત્વથી ચકિત થઈને, એમને ઈશુ ખ્રિસ્તની સાથે સરખાવવા માંડ્યા. વાહ રે પ્રારબ્ધ ! રામતીર્થનો બધે વિજય ડંકો વાગી ગયો.

અમેરિકાના એ વખતના પ્રમુખ કોણ હતા, તે જાણો છો ? રૂઝવેલ્ટ. રૂઝવેલ્ટે એમની ખ્યાતિ સાંભળી, અને રામતીર્થ સાથે મુલાકાત ગોઠવી. એ મુલાકાતથી રૂઝવેલ્ટને ઘણો આનંદ થયો. કેટલીય શંકાઓનું સમાધાન થઈ ગયું. ભારતમાં આવા મહાપુરુષો વસે છે એ જાણીને ભારત પ્રત્યે એમનું માન વધી ગયું.

‘હું તમારી શી સેવા કરું ?’ એમણે પૂછ્યું, ‘તમે જે ફરમાવો તે સેવા કરવા તત્પર છું.’

કોઈ સાધારણ પુરુષ હોત તો અમેરિકામાં એકાદ આશ્રમ બંધાવી લેત, અથવા તો ધન-ભંડારની માગણી કરત. પરંતુ રામતીર્થ એવી કાચી માટીના ન હતા. દેશના દુઃખો દૂર કરવાની લાગણીથી એમનું હૃદય ભરપૂર હતું. દેશ પ્રત્યેના પ્રેમથી પ્રેરાઈ તો એ પરદેશ ગયા હતા. એ તરત બોલ્યા,

‘સેવા કરવાની સાચી ભાવના હોય તો ભારત જેવા ગરીબ દેશના વિદ્યાર્થી અહીં મફત ભણી શકે તે માટે સ્કોલરશીપની વ્યવસ્થા કરો.’

પ્રમુખ રૂઝવેલ્ટે એ માટેની વ્યવસ્થા કરી. રામતીર્થ તથા ભારત માટેનું એમનું માન અનેકગણું વધી ગયું. રામતીર્થને એ અત્યંત પૂજ્યભાવથી જોવા લાગ્યા.

ઈતિહાસ જાણે છે કે ભારતની સ્વાતંત્ર્ય લડતને સફળતા મળે એ માટે રૂઝવેલ્ટે પોતાની લાગવગ વાપરી હતી. ભારત પ્રત્યે એમને ભાવ હતો. એ ભાવનાં મૂળ સ્વામી રામતીર્થની મુલાકાત જેટલાં ઊંડા હતા.

 - શ્રી યોગેશ્વરજી