સ્વામી રામતીર્થ અદ્વૈત વેદાંતના જીવતા જાગતા સ્વરૂપ સરખા હતા.
વેદાંતના સારરૂપ અભેદભાવના નશામાં એ હંમેશા મસ્ત રહેતા.
જગતના નાના મોટા વિભિન્ન પદાર્થોમાં એ પરમાત્માનું દર્શન કરતા એટલું જ નહિ પણ સમસ્ત જગતને પરમાત્માના પ્રત્યક્ષ પ્રતીકરૂપે જોતા રહેતા. એવું એકત્વદર્શન કરવાનો સ્વભાવ પડી ગયેલો એમ કહીએ તો ચાલે.
એ પોતાને આત્મિક જગતના શહેનશાહ માનતા અને પોતાના નામ તરીકે પોતાનો પરિચય આપતા રામબાદશાહ લખતા.
બાદશાહને તો કાંઈ ચિંતા, વિષાદ, ભય, ભેદભાવ, રાગદ્વેષ અને અશાંતિ પણ હોય, પરંતુ એમને કોઈ અશાંતિ નહોતી. ચિંતા, વિષાદ, ભય, ભેદભાવ અને રાગ-દ્વેષથી એ કાયમને માટે પર હતા.
જે એમનું દર્શન કરતા અને એમના સુખદ, શાંતિમય, સ્વર્ગીય સહવાસનો લાભ લેતા તે ધન્ય બનતા. એમના એકાદ વારના સંપર્કમાં આવનારની ઉપર પણ એમના જાદુઈ અસ્તિત્વની ચિરસ્થાયી અને અસાધારણ છાપ પડ્યા વિના રહેતી નહિ.
એમનું વેદાંત કેવલ વિચાર અથવા વાણી પૂરતું જ સીમિત નહોતું થયું પરંતુ એમના અણુએ અણુમાં ઓતપ્રોત બનીને વ્યવહારના પ્રત્યેક પાસામાં મૂર્તિમંત થયું હતું. એટલે જ એમના વ્યક્તિત્વમાં એક પ્રકારની વિદ્યુત શક્તિ હતી. એ વિદ્યુત શક્તિનો પ્રભાવ લાગતાવળગતા બધા પર ઓછાવત્તા પ્રમાણમાં પડતો રહેતો.
એમના જીવનમાં સંમિશ્રિત થઈ ગયેલી અદ્વૈત વેદાંતની મસ્તીનો એક પ્રસંગ જાણવા જેવો છે. એના પરથી એમના અસાધારણ વ્યક્તિત્વની ઝાંખી થશે.
સ્વામી વિવેકાનંદને પગલે પગલે ચાલીને ભારતીય ધર્મ, તત્વજ્ઞાન ને સંસ્કૃતિનો સંદેશ પરદેશમાં પહોંચાડવા તથા તે દ્વારા ભારતના રાષ્ટ્રીય ગૌરવને વધારવા એ કટિબદ્ધ થયા.
તીર્થરામ પ્રોફેસરમાંથી સ્વામી રામતીર્થ બનેલા એ યુવાન સંન્યાસી પાસે ઉત્તમ પ્રકારની મેધા હતી. ઉદાત્ત લાગણી હતી ને પોતાના દેશવાસીઓ તથા બીજાને માટે કાંઈક કરી નાખવાની તમન્ના અથવા કર્મયોગની ભાવના હતી.
એ ભારત છોડીને સ્ટીમરમાં બેસીને જ્યારે અમેરિકા પહોંચ્યા ત્યારે કોઈ ઓળખપત્ર નહોતા લઈ ગયા. કોઈ ઠેકાણે પહેલેથી ઉતરવાનો નિર્ણય પણ એમણે નહોતો કર્યો. ગીતાની ભાષામાં કહીએ તો ‘સર્વ ભૂતસ્થમાત્માનું સર્વ ભૂતાનિચાત્મનિ’ એટલે કે આત્માની અંદર બધા જ જીવે અને સૌની અંદર રહેલા આત્માને જોતા અને અનુભવતા એ અમેરિકાના સમુદ્ર તટ પર આવી પહોંચ્યા.
સ્ટીમરના મુસાફરો વારાફરતી સ્ટીમરમાંથી ઉતરવા લાગ્યા. એમના સ્નેહીઓ અને સ્વજનો એમને લેવા આવેલા પરંતુ સ્વામી રામતીર્થ તો નીચે ઊતરવાની પણ લેશ પણ ચિંતા કે ઈચ્છા ના હોય તેમ બેસી જ રહ્યા. એમને જરા પણ ઉતાવળ ન હતી, અસ્વસ્થતા ન હતી, કે એમના વદન પર કોઈ જાતની વ્યગ્રતા પણ નહોતી દેખાતી.
એટલામાં તો સ્ટીમર પર પોતાના મિત્રો, સાથીઓ અથવા સ્વજનોનો સત્કાર કરવા આવેલા માણસોમાંના એક સદગૃહસ્થ રામતીર્થ પાસે આવીને એમને ધારીધારીને જોવા લાગ્યા. થોડાક વખત સુધી એવી રીતે જોયા પછી એમનાથી રહી ના શકાયું એટલે એ બોલ્યા,
‘તમારા પહેરવેશ પરથી લાગે છે કે તમે ભારતથી આવો છો.’
રામતીર્થે માથું હલાવ્યું ને કહ્યું, ‘હા, હું ભારતમાંથી આવું છું.’
‘તમે અહીં ઉતરવાના છો ?’
‘હા.’
‘તમને કોઈ લેવા માટે નથી આવ્યું ?’
‘આવ્યું છે.’
‘કોણ ? કોઈ દેખાતું તો નથી.’
‘મને લેવા આવનાર આ રહ્યા.’
‘ક્યાં ?’
‘કેમ ? તમે જ મને લેવા માટે આવી પહોંચ્યા છો. હા, તમે જ.’
એવું કહીને રામતીર્થે એ અમેરિકન સદગૃહસ્થની પીઠ પર હાથ મૂક્યો.
હાથ મૂકતાંની સાથે જ પોતાના શરીરમાં જાણે કોઈ દૈવી વિદ્યુત શક્તિ દાખલ થઈ હોય એવો અનુભવ એ સદગૃહસ્થને થવા માંડ્યો. એમનું અંતર આત્મીયતાથી ભરાઈ ગયું. એમણે ભારતના એ મહાન સપૂત સ્વામી રામતીર્થને પોતાને ત્યાં આવવાનું ને રહેવાનું આમંત્રણ આપ્યું.
રામતીર્થ એના મહેમાન બન્યા. ધીરે ધીરે જેમ જેમ પરિચય વધતો ગયો તેમ તેમ રામતીર્થને માટેનો એમનો પ્રેમ અને પૂજ્યભાવ વધતો ગયો. એ રામતીર્થના ભક્ત અને શિષ્ય બન્યા.
અમેરિકાની પ્રજાને પોતાના અલૌકિક વ્યક્તિત્વથી આંજી નાખનાર કે મંત્રમુગ્ધ કરનાર રામતીર્થને લોકો જીવંત ઈસુ તરીકે ઓળખવા લાગ્યા.
એવો હતો એ મહાપુરુષનો આત્મભાવ.
એ હંમેશાં, જીવનની પ્રત્યેક પળે, જાણે કે વેદાંતમાં જ જીવતા હતા. શાંતિ પણ એવા વેદાંતથી જ મળે છે-કેવળ વાતોના નહિ પરંતુ વ્યવહારના.
- શ્રી યોગેશ્વરજી

