Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921
તમારી આંખ મારી આંખમાં મળે છે ને અંતર તમને આલિંગન કરે છે,
ત્યારે કેમ કરીને કહી બતાવું કે મને કેટલો આનંદ, કેટલી શાંતિ ને કેટલું સ્વર્ગસુખ મળે છે !
તેમાંયે તમારા મધુમય હેતાળ હોઠ મારે હોઠે મળે છે,
ત્યારે તો પ્રાણના બધાયે પડદા દૂર થાય છે
ને જીવન એક મહોત્સવ જેવું મધુર બની જાય છે.

તમારા શરીરને છોડીને એકે ક્ષણ ક્યાંય જવાનું મને ગમતું નથી,
ને તમને પણ પસંદ નથી. એવો આપણો પ્રેમ છે.
તેમાંયે આજે તો વળી હદ થઈ ગઈ.
લાંબા હાથ કરીને મધરાતને વખતે તમે મને આલિંગન આપ્યું.
આપણાં અંગેઅંગને એક કર્યાં, ત્યારે બધાં જ આવરણ હઠી ગયાં,
ને આત્માએ એકતાનો અનુભવ કર્યો.
યોગ ને જ્ઞાનનું ફળ તો જાણે સહેજમાં મળી ગયું.

ચિરકાળ લગી આપણે એ રીતે આનંદ કર્યા કરીએ
ને એકમેકને જીવન ધરીએ એ જ મારી ઈચ્છા છે.
ચિરકાળ લગી આપણે એ રીતે પ્રેમ કર્યા કરીએ.

- શ્રી યોગેશ્વરજી