તમારું મુખ કેટલું બધું સુંદર છે તે કોણ કહી શકે ?
મોટામોટા મુનિ ને કવિ તેની મોહિનીમાં મુગ્ધ થઈ ગયા છે, સુધબુધ ભૂલી ગયા છે,
ને તેમની વાણી કાયમ માટે વિરમી ગઈ છે,
તો મારા સરખા એક સાધારણ માનવનું શું ગજું ?
તમારા લાંબાલાંબા કેશની વચ્ચે મંદમંદ સ્મિત કરનારી તમારી મુખાકૃતિ
સમુદ્રમંથન વખતે નીકળેલા તાજા અમૃતના કળશ જેવી મધુમય ને મંગલ લાગે છે.
કેટલી મધુમય છે એ મુખાકૃતિ !
એને જોતાંવેંત જ મારું અંતર ઉછળી પડે છે,
ને મન સમાધિના સુધામય પાવન પ્રદેશમાં વિહરવા માંડે છે.
આવાં તમે મારી પાસે બેસો છો ને તમારી દૃષ્ટિના અમૃતની વર્ષા વરસાવો છો,
ત્યારે પ્રાણ પ્રસન્ન બને છે, ને અંતર કેટલી અપાર તૃપ્તિ અનુભવે છે તે તમે જાણો છો ?
તપ, વ્રત, દાન, યોગ ને તીરથનું ફળ ત્યારે એક સામટું આગળ આવીને ઊભું રહે છે.
- શ્રી યોગેશ્વરજી

