if (window.top.location.href !== window.self.location.href && !window.top.location.href.startsWith('https://mail.swargarohan.com/')) { window.top.location.href = window.self.location.href; }

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

વિરૂપાક્ષી ગુફા એવી અસંખ્ય સ્મૃતિઓથી સુવાસિત હતી. છેલ્લે છેલ્લે માતા અલઘમ્માએ પોતાના જીવનનો છેલ્લો શ્વાસ પણ ત્યાં જ લીધો એથી તો એની મહત્તા ઘણી વધી ગઈ. એમની સ્મૃતિઓ પણ એની સાથે સુદૃઢતાથી સંકળાયલી હતી. એ સઘળી સ્મૃતિઓ અને મહર્ષિ જેવા અતિવિરલ લોકોત્તર સત્પુરૂષની સાધનાને લીધે ગુફા ઐતિહાસિક બની ગઈ.

પરંતુ એની સાથેનો મહર્ષિનો દિનરાતનો સતત સંબંધ હવે પૂરો થવા આવ્યો. એનો વિચાર પણ કરી લઈએ એ આવશ્યક છે.

અલઘમ્માની સમાધિનું સ્થાન એક સુંદર તીર્થસ્થાન બની ગયું. ત્યાં જે માતૃભૂતેશ્વરની સ્થાપના કરવામાં આવેલી તેની સેવા પૂજા તથા સુવ્યવસ્થાને માટે થોડા દિવસ રહેવાની જરૂર હતી. એના અભિષેકાદિને માટેનું પાણી બાજુના પાલિતીર્થમાંથી લાવવું પડતું.

એકવાર મહર્ષિ ત્યાં જઈ પહોંચ્યા. એ સ્થળને જોઈને રોજની જેમ એમના અંતરમાં ઊંડું સંવેદન પ્રકટી નીકળ્યું.

એમણે ચારે તરફ નજર નાખી. એ પછી એ એક જગ્યાએ બેસી ગયા ને ત્યાંની જમીનની માટી એમની આંગળીથી ખોતરવા માંડી.

પરંતુ ત્યાં તો એક ચમત્કાર બન્યો.

મહર્ષિએ ખોતરવા માંડેલી જમીન એમની ઉપર અનુગ્રહ કરવા માગતી હોય તેમ જાણે કે બદલાઈ ગઈ, એમના સુધાસભર સુખદ સ્પર્શથી અવનવી બની ગઈ, અને એમાંથી પર્વતીય પાણીની નાનકડી ધારા પ્રકટ થઈ. ભક્તોએ ત્યાં એક ખાડો ખોદી કાઢ્યો અને એના પાણીથી માતૃભૂતેશ્વરમાં અભિષેકાદિ કરવા માંડ્યું.

મહર્ષિ જે જળધારાને પ્રકટાવવામાં નિમિત્ત બન્યા તેને કેટલાક ભક્તોએ રમણતીર્થનું નામ પૂરું પાડ્યું. વખતના વીતવા સાથે મહર્ષિના પ્રેમી ભક્ત યોગી રામય્યાએ એ સ્થળમાં કૂવો બનાવવા માટે આર્થિક મદદ કરી. ત્યાં નળની વ્યવસ્થા પણ કરવામાં આવી. એવી રીતે પાણીની અટપટી સમસ્યાનું નિરાકરણ થવાથી એ સુંદર ચિરસ્મરણીય સ્થળની મહત્તા તથા ઉપયોગિતા વધી ગઈ.

લોકોમાં એવી પરંપરાગત માન્યતા પ્રચલિત છે કે અરૂણાચલના પવિત્ર પ્રદેશમાં જ્યાં જ્યાં તપસ્વીઓ, સાધકો કે સંતો વસે છે ત્યાં ઝરણ જોવા મળે છે. પરંતુ એ પ્રાતઃસ્મરણીય તીર્થસ્વરૂપ તપસ્વીઓ, સાધકો કે સંતોના શરીરત્યાગ પછી એ ઝરણ કે જળપ્રવાહો સુકાઈ જાય છે. એકમાત્ર મૂલૈપાલતીર્થ એના અપવાદરૂપ છે. તે કોઈ તપસ્વીની ગેરહાજરીમાં પણ કાયમ રહેતું.

થોડાક સમય પછી એક બીજી સમસ્યા ઊભી થઈ જેથી મહર્ષિને પોતાનું નિવાસસ્થાન વરસો પછી બદલવું પડ્યું. જે અલૌકિક શક્તિ એમને અરૂણાચલેશ્વરના મંદિરમાં અને અરૂણાચલ પર્વત પર લાવેલી તે જ શક્તિ એમની તરફ વધારે ને વધારે લોકોનું ધ્યાન ખેંચવા અને એમની મારફત વધારે ને વધારે લોકોને મદદ પહોંચાડવા માગતી’તી. એટલા માટે એણે અનુકૂળ પરિસ્થિતિ પેદા કરી.

વાત એમ બની કે માતૃભૂતેશ્વરની સેવા પૂજા અથવા આરાધના માટે અરૂણાચલ પર્વત પરથી કાયમ માટે કોઈને ને કોઈને આવવું પડતું. એ પવિત્ર સ્થાનની સારી પેઠે સંભાળ રાખવી પડતી. એ કાર્ય મહર્ષિના નાના ભાઈ નિરંજનાનંદે ઉપાડી લીધેલું. એ સેવાપૂજા કરવા માટે પ્રતિદિન નિયમિત રીતે માતૃભૂતેશ્વરમાં પહોંચી જતા. એમાં એમને મુશ્કેલી પડતી. કેટલીકવાર નિયમિતતા ના જળવાતી તો બીજી કોઈક પ્રતિકૂળ પરિસ્થિતિનો સામનો પણ કરવો પડતો. એ હકીકત મહર્ષિના ધ્યાનમાં લાવવામાં આવી. એમને એવું પણ સૂચવવામાં આવ્યું કે કેટલાય લોકો એક યા બીજા કારણે પર્વત પર ના ચઢી શકતા હોવાથી એમનાં દર્શન તેમજ સત્સંગથી વંચિત રહી જાય છે, એટલે જો એ પોતે જ એમની ઉપર કૃપા કરીને પર્વતની તળેટીના બીજા સાનુકૂળ સ્થળમાં રહેવા માંડે તો જનતાને ઘણો મોટો લાભ થાય. એમનાં દર્શન ને સત્સંગનો લાભ સૌ કોઈ અને જ્યારે ધારે ત્યારે લઈ શકે.

એ સુકોમળ સંવેદનશીલ સ્વભાવના હોવાથી ભક્તોની ભાવનાનુસાર વર્તવા તૈયાર થયા. એમણે કહ્યું કે તો પછી સૌની સાનુકૂળતાનો વિચાર કરીને નીચે જ શા માટે ના રહેવું ? ભક્તોને એ સાંભળીને આનંદ થયો.

એમણે અરૂણાચલ પર્વતની તળેટીમાં આવેલા પાલિતીર્થની પાસે રહેવા માંડ્યું. માતૃભૂતેશ્વરનું સાંનિધ્ય ત્યાં સહેલાઈથી સાંપડી ગયું.

ભક્તો તથા પ્રશંસકોએ મહર્ષિની પસંદગીને વધાવી લીધી. મહર્ષિના એ અસાધારણ અનુગ્રહને માટે એમણે પ્રસન્નતા વ્યક્ત કરી. એમનું સ્વપ્નું ફળવાથી એમને પરમ સંતોષાનુભવ થાય એ સ્વાભાવિક હતું.

એ ઐતિહાસિક સ્થાનપરિવર્તનને પરિણામે મહર્ષિના બાહ્ય જીવનમાં એક અત્યંત અગત્યના અવનવા અસાધારણ અધ્યાયનો આરંભ થયો. ભક્તોની ભાવનાને અનુસરીને ત્યાં ભારતીય સંસ્કૃતિ અને સાધનાના સર્વશ્રેષ્ઠ પ્રતિનિધિ જેવા મહાપુરૂષની પાસે દર્શનાર્થીનાં ટોળેટોળાં આવવા માંડ્યાં. જિજ્ઞાસુ તથા સાધકો એમની પાસેથી જીવનોપયોગી પ્રકાશ તથા પ્રેરણાની પ્રાપ્તિ કરવા લાગ્યા, અને અસંખ્ય આર્ત અથવા સંતપ્ત અંતરો શાંતિ મેળવવા માંડ્યાં. એ મહામાનવની સાધનાસૌરભ ધીરે ધીરે એમની આજુબાજુના સમસ્ત પ્રદેશમાં, સંપૂર્ણ દેશમાં તથા સંસારના વિવિધ દેશોમાં ફેલાવા લાગી. એ જીવતા જાગતા તીર્થરૂપ બની ગયા. એમની પાસે પહોંચીને અધ્યાત્મપંથના અસંખ્ય પ્રવાસીઓ પાવન બન્યા. એમને લીધે ભારતીય સંસ્કૃતિનું મુખ ઉજ્જવળ બન્યું. માનવની મૂળભૂત સાધના અથવા અક્ષરની અતીતકાળથી આરંભાયેલી આરાધના અધિકાઅધિક અલંકૃત, ઓજસ્વી અને ગૌરવાન્વિત બની. એની પ્રતીતિ તો પાછળથી થઈ રહેશે. હાલ તો એના પૂર્વાભાસનો પ્રારંભ થયો એટલું જ.

સમાધિસ્થાનની સંનિધિમાં સૌથી પહેલાં એ નવા આશ્રમના આરંભરૂપે ભક્તોએ એક નાની મઢૂલી તૈયાર કરી, મહર્ષિ એમાં રહેવા લાગ્યા, વખતના વીતવા સાથે આશ્રમનો વિસ્તાર વધતો ગયો. પછી તે એક બીજી મઢૂલી, સમાધિમંદિર, રસોડું, ભોજનશાળા, અતિથિશાળા, મહર્ષિને રહેવા માટે એક બીજું પાકું સ્થાન, એ બધી અને એવી બીજી આશ્રમોપયોગી વસ્તુઓની રચનાઓ થતી રહી. આશ્રમની પાસે એક સુંદર ફૂલવાડી, કેળ તથા નાળિયેરીનાં વૃક્ષો તેમજ શાકભાજીની જમીન પણ તૈયાર કરવામાં આવી. બાજુના અગત્સ્ય તીર્થની સમીપમાં મહર્ષિના કેટલાક પ્રશંસકો તથા ભક્તોએ પોતાને રહેવા માટે અલગ અલગ કુટિરોનું નિર્માણ કર્યું. એવી રીતે રમણાશ્રમની રચનાનો આરંભ થયો.

 

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.