પરમાત્માને માટે પોતાના જીવનનું સર્વસમર્પણ કરીને એકનિષ્ઠ વૃત્તિથી નિરંતર સમજપૂર્વક સાધના કરનાર સાધકને પરમાત્માની પરમ રહસ્યમયી, અચિંત્ય મહામહિમામયી, દૈવી શક્તિ દ્વારા જુદી જુદી રીતે માર્ગદર્શન ને મદદ મળી રહે છે. માયાળુ માતા જેમ બાળકનું પ્રેમપૂર્વક ધ્યાન રાખે છે અને એને મુશ્કેલીઓ તથા મૂંઝવણોમાંથી પાર કરીને સુખ શાંતિ અને આરામ પહોંચાડે છે તેમ પરમાત્માની એ પરમપ્રેમમયી પાવન શક્તિ માતા કરતાં પણ વધારે મમતાથી ભક્ત કે શરણાગતની સંભાળ રાખે છે, પ્રેરણા બને છે, પથપ્રદર્શિકા થાય છે, અને સંસારનાં વિભિન્ન ભયસ્થાનો તથા પ્રલોભનોથી એની રક્ષા કરીને એને એના ગંતવ્યસ્થાને પહોંચાડી દે છે. એ પરમશક્તિનું અનુસંધાન સાધનારને એની અલૌકિક અનુકંપાના અનેકાનેક ઉદાહરણો મળી રહે છે ને પછી તો એનું સમગ્ર જીવન જ એની અનુકંપાની અવનવી આવૃત્તિ જેવું બની જાય છે. એ શક્તિ સાથે સંબંધ બાંધનારા સાચા સાધકો ને સંતો એ સનાતન સત્યથી સુપરિચિત હોય છે. એનો સ્વાનુભવ એમને થઈ ચૂક્યો હોય છે.
રમણ મહર્ષિના સાધનામય જીવનનું નિરીક્ષણ કરતાં એની પ્રતિતી થાય છે. એ ઘરનો ત્યાગ કરીને અરૂણાચલેશ્વરના મંગલ મંદિરમાં પ્રવેશ્યા ત્યારથી જ અને એ પહેલાંથી પણ એમના જીવનમાં પરમાત્માની અચિંત્ય શક્તિનો અનુગ્રહ એક અથવા બીજી રીતે વરસ્યા કરતો. એ અનુગ્રહ અરૂણાચલ પર્વત પરના એમના નિવાસ દરમિયાન પણ ચાલુ રહ્યો.
એ અસાધારણ અનુગ્રહનો એક નાનો સરખો છતાં વિલક્ષણ પ્રસંગ જોઈ જઈએ. એની ઉપરથી સાધકો, શરણાગતો કે સંતોના જીવનમાં એ અસાધારણ શક્તિનો અનુગ્રહ કેવી રીતે કામ કરે છે તેનો ખ્યાલ આવશે.
મહર્ષિના જીવનને જાણનાર એટલું તો સહેલાઈથી સમજી શકશે કે એમણે સંન્યાસની વિધિપૂર્વકની દીક્ષા નહોતી લીધી. એવી દીક્ષાની આવશ્યક્તા પણ એમને નહોતી લાગતી. એમનો સંન્યાસ જો સંન્યાસ કહી શકાય તો વિદ્વત સંન્યાસ હતો.
એ અરૂણાચલ પર્વત પરની વિરૂપાક્ષી ગુફામાં રહીને એકાંતનો આનંદ અનુભવતાં સાધના કરતા’તા ત્યારે એમની પાસે કેટલાક સાધુસંન્યાસી પણ જિજ્ઞાસા અથવા કુતૂહલવૃત્તિથી પ્રેરાઈને આવતા રહેતા. એક દિવસ એવી જ રીતે એક સંન્યાસી મહારાજ આવી પહોંચ્યા. એ એ વખતના શ્રુંગેરીના શંકરાચાર્યના શિષ્ય હતા. મહર્ષિની ખ્યાતિ સાંભળીને એ એમને મળવા માટે આવી પહોંચેલા.
મહર્ષિને મળીને એ સંન્યાસી મહારાજને પણ આનંદ તો થયો જ, પરંતુ એમને સંપ્રદાયવિશેષમાં ને સંન્યાસની બાહ્ય પરંપરામાં વિશેષ મમતા હોવાથી જુદા જ વિચારો આવવા માંડ્યા. એ વિચારોથી પ્રેરાઈને એમણે મહર્ષિને સંન્યાસની દીક્ષા લેવાની સૂચના કરી, પરંતુ મહર્ષિએ ના પાડી.
મહર્ષિ કોઈ સામાન્ય પુરૂષ તો હતા નહિ. એ તો મહાન પુરૂષ હતા. કેવળ પ્રાજ્ઞ નહોતા પરંતુ પરમપ્રાજ્ઞ હતા, ને જીવનમુક્તિની અલૌકિક અવસ્થાનો અનવરત અનુભવ કરી રહેલા. પેલા સંન્યાસી એમની એ અસાધારણ અવસ્થાને ના સમજી શકવાથી એમની આનાકાની છતાં એમને સંન્યાસ લેવાનો ઉપરાઉપરી આગ્રહ કરવા લાગ્યા. એમણે એમની સાથે પોતાની રીતે ત્રણ કલાક જેટલા લાંબા વખત લગી દલીલો કર્યા કરી. એમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે તમારી મહત્તા તેમ જ મહાનતાની કલ્પના હું કરી શકું છું ને તમારી દૃષ્ટિને પણ સમજી શકું છું; તે છતાં પણ મારો ખાસ મત, અભિપ્રાય અથવા આગ્રહ છે કે તમે બ્રાહ્મણ હોવાથી શાસ્ત્રાનુસાર ચાલો અને સંન્યાસ લો તે જ બરાબર છે. તમે એકવાર સંન્યાસ દીક્ષા લેવાનું સ્વીકારી લો તો સંન્યાસને માટેની જરૂરી બઘી જ વસ્તુઓ કે સઘળી સાધનસામગ્રી એકઠી કરવાનું કામ હું પોતે જ ઉપાડી લઈશ ને સંન્યાસની વિધિ આ ગુફામાં જ પૂરી કરવામાં આવશે. એને માટેની વ્યવસ્થાની બધી જ જવાબદારી મારી છે. સંન્યાસ લીધા પછી ભગવાં વસ્ત્રો ના પહેરવાં હોય તો તેની પણ છૂટ રહેશે, સંન્યાસના બાહ્ય ચિન્હ તરીકે માત્ર ભગવું કૌપીન પહેરશો તો ચાલશે.
મહર્ષિના મન પર એમની વિચારસરણી કે દલીલોને કોઈ પ્રભાવ ના પડ્યો તો પણ એમનો ઉત્સાહ ઓસર્યો નહિ. એમણે મહર્ષિને કહ્યું કે મારી વાત હસી કાઢવા જેવી કે ઉપેક્ષણીય નથી. એની ઉપર શાંતિપૂર્વક ફરીવાર પૂરતો વિચાર કરી જોજો ને પછી જ નિર્ણય લેજો. તમારા અંતિમ નિર્ણયને જાણવા ને જરૂર પડે તો તમારી સાથે વિશેષ ચર્ચાવિચારણા કરવા હું બપોર પછી આ સ્થળમાં પાછો આવીશ.
સંન્યાસી મહારાજ શાંતિથી ચાલી નીકળ્યા.
મહર્ષિને કોઈ શંકા કે ભ્રાંતિ તો હતી નહિ એટલે એ પણ શાંતિપૂર્વક એ આખીયે ઘટનાનો વિચાર કરતા બેસી રહ્યા. સંન્યાસી મહારાજનો સંન્યાસને માટેનો દુરાગ્રહ એમને ખૂબ જ વિચિત્ર લાગ્યો. એ એમના શબ્દોને વારંવાર વિચારવા લાગ્યા. ત્યાં તો એમની પાસે એક અપરિચિત વૃદ્ધ પુરૂષ આવી પહોંચ્યો. એની પાસે સંસ્કૃત પુસ્તકોનું એક બંડલ હતું. એ બંડલ એણે મહર્ષિ પાસે મૂકીને કહ્યું :
‘આ બંડલ અહીં રહેવા દો તો સારું. મોડેથી આવીને એને લઈ જઈશ. તમારી ઘણી કૃપા થશે. તમારા આભારને નહિ ભૂલું.’
એની વાત મંજૂર રાખી એટલે એ ચાલ્યો ગયો.
એના ગયા પછી મહર્ષિએ એ પુસ્તકોને રસપૂર્વક જોયાં તો એમના હાથમાં સૌથી પ્રથમ પુસ્તક ‘અરૂણાચલ પુરાણમ’ આવ્યું. એને ઉઘાડતાંવેંત જ એમની નજર આપોઆપ આ ભાવાર્થવાળી કવિતાપંક્તિ પર પડી :
‘આ સ્થળની આસપાસના ત્રણ યોજન જેટલા વિસ્તારમાં જે પણ રહેતા હશે તે દીક્ષા લીધા વિનાના હશે તો પણ, મારી પરમકૃપાવર્ષાથી કૃતાર્થ થઈને સર્વે પ્રકારની આસક્તિ અથવા મમતામાંથી મુક્તિ મેળવીને કૈવલ્યપદની પ્રાપ્તિ કરી લેશે.’
એ કવિતાપંક્તિઓ વાંચીને એમને સંતોષ અને આનંદ થયો. એ સુંદર સારવાહી પંક્તિઓને એમણે કાગળ પર ઉતારી લીધી. એ પછી પુસ્તકને ઠેકાણે મૂકીને આંખ મીંચીને ધ્યાનમાં બેસી ગયા.
થોડાક વખત પછી એમણે આંખ ઉઘાડીને જોયું તો ગુફામાં પેલાં પુસ્તકોનું બંડલ ન હતું. પુસ્તકોનું બંડલ કોણ લઈ ગયું ને ક્યારે લઈ ગયું તેની ખબર એમને ના પડી; કારણ કે પેલો વૃદ્ધ પુરૂષ તો પાછો દેખાયો જ નહિ. કદાચ એમની ધ્યાનાવસ્થા દરમિયાન શાંતિથી આવીને એ એનાં પુસ્તકોને લઈ ગયો હોય !
સાંજનો સમય થવા આવ્યો તેની જરાક પહેલાં પેલા સંન્યાસી મહારાજ એમના નિર્દેશાનુસાર આવી પહોંચ્યા. એમને તો મહર્ષિનો નિર્ણય જાણવાની ઉત્કંઠા હતી. એ મહર્ષિને સંન્યાસ લેવામાં પોતાનાથી બનતી બધી મદદ કરવા માગતા’તા. એમણે એમના નિર્ણય બાબત પૂછ્યું. તો એના ઉત્તરમાં એમણે પેલો કાગળ આપ્યો. એ કાગળમાં ઉતારેલી અરૂણાચલ પુરાણમ્ ની કવિતાપંક્તિને વાંચીને એમના મનનું સુખદ સમાધાન થવાથી એ ત્યાંથી એમના આગ્રહને પડતો મૂકીને ચાલી નીકળ્યા. એમને ખાતરી થઈ કે મહર્ષિને સંન્યાસની દીક્ષાની આવશ્યક્તા નથી.
કહે છે શ્રુંગેરી મઠમાં જઈને સંન્યાસી મહારાજે મઠના અધીશ્વર શ્રી નૃસિંહ ભારતીને આખોય પ્રસંગ સવિસ્તાર કહી સંભળાવ્યો ત્યારે એમણે ખૂબ જ ખેદ દર્શાવ્યો ને જણાવ્યું :
‘તમે જે કાંઈ કર્યુ તે ખૂબ જ વધારે પડતું ને ખોટું કર્યું. હવેથી કદી પણ આવી વસ્તુઓનું પુનરાવર્તન ના કરતા.’
એ શબ્દો એ સંતપુરૂષની દૃષ્ટિની પરમ ઉદારતા, પવિત્રતા ને વિશાળતાને બતાવે છે ને જણાવે છે કે મઠાધીશ્વર સંકુચિત અથવા સાંપ્રદાયિક વૃત્તિના ન હતા ને મહર્ષિની મહાનતાની સાચી કલ્પના કરી શકેલા. એમની પૂર્વગ્રહમુક્ત પ્રજ્ઞાપૂત દૃષ્ટિને લીધે જ એમના મુખમાંથી એવા ઉચ્ચારો નીકળી શકેલા.
આ પ્રસંગ વાંચ્યા કે સાંભળ્યા પછી કેટલાકને પ્રશ્ન થવાનો સંભવ છે કે મહર્ષિની પાસે વિરૂપાક્ષી ગુફામાં પુસ્તકોના બંડલ સાથે આવનાર પેલો વૃદ્ધ પુરૂષ કોણ હશે ? શું એ અરૂણાચલ ભગવાન પોતે હશે ? કે અરૂણાચલ પર્વતના પવિત્ર વાયુમંડળમાં વસનારા કોઈ સમર્થ સંત કે સિદ્ધપુરૂષ પોતે જ એ રૂપમાં મહર્ષિના આત્મવિશ્વાસને વધારે બળવાન બનાવવા માટે આવી પહોંચ્યા હશે ? કે પછી એ કોઈક સામાન્ય વૃદ્ધ જ હશે ? એના ઉત્તર માટે આપણે આપણી બુદ્ધિ અને અનુભૂતિ અનુસાર કલ્પના જ કરવાની રહી. પરંતુ એ આખાય પ્રસંગ પરથી એક મહત્વની વાત તો નિર્વિવાદ રીતે ફલિત થાય છે અને તે એ કે પરમાત્માની પરમશક્તિ એક અથવા બીજા સ્વરૂપમાં શરણાગત સાચા સાધકો કે સંતોને સહાયતા કરવા અહર્નિશ તૈયાર રહે છે ને સહાય કરે છે. એ પ્રતીતિ જીવનની સાધનાત્મક મહાયાત્રાની મંગલમય પરિસમાપ્તિ માટે કાંઈ ઓછી અગત્યની નથી. શ્રેયાર્થીઓને એ ખૂબ જ મદદરૂપ થઈ પડશે.

