if (window.top.location.href !== window.self.location.href && !window.top.location.href.startsWith('https://mail.swargarohan.com/')) { window.top.location.href = window.self.location.href; }

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

માંદગી મટી ગયા પછી અલઘમ્મા તિરુવણ્ણામલૈ છોડીને ઘેર ગયાં, પરંતુ ત્યાં સંજોગો જરા પણ સાનુકૂળ ન હતા. તિરુચુલ્લીનું કૌટુંબિક ઘર દેવું થવાથી ને બીજી રીતે આર્થિક પરિસ્થિતિ બગડવાથી વેચી દેવું પડ્યું. એમના દિયરનું મૃત્યુ થવાથી કુટુંબને ઘણો મોટો ફટકો પડ્યો. અને એટલું અમંગલ જાણે કે ઓછું હોય તેમ નાગસુંદરમની પત્નીનો પણ સ્વર્ગવાસ થયો. એ પોતાની પાછળ એક નાના છોકરાને છોડી ગઈ. એ બધી કરૂણ ઘટનાઓએ અલઘમ્માના અંતરને અસ્વસ્થ કર્યું ને વલોવી નાખ્યું. એ અતિશય દુઃખી થયા. એમને ક્યાંય આરામ ના દેખાયો. એમનું જીવન અને જગત નીરસ બની ગયું. એમને મહર્ષિનું સતત સ્મરણ થવા માંડ્યું ને લાગ્યું કે એમની પાસે પહોંચવાથી ને એમના સંસર્ગમાં રહેવાથી જ જીવનનું શ્રેય થઈ શક્શે અને આત્માને આરામ મળશે. ભૂતકાળમાં અરૂણાચલ પર્વત પર પસાર કરેલા દિવસો એમને યાદ આવ્યા. એ દિવસો જીવનના ધન્ય દિવસો હતા એવું એમને લાગવા માંડ્યું. એવા જ બીજા ધન્ય દિવસોનો લાભ મેળવવા માટે એમનું અંતર આતુર બની ગયું. એમનું મન સંસારની પ્રવૃત્તિઓ પરથી એકદમ ઉપરામ થઈ રહ્યું.

ઈ.સ. ૧૯૧૬ની શરૂઆતમાં એ ફરીવાર એમના સંતપ્ત હૃદયને શાંત કરવા માટે તિરુવણ્ણામલૈ આવી પહોંચ્યા ને ત્યાં લક્ષ્મી અમ્માલની સાથે રહેવા માંડ્યાં. થોડા વખત પછી એમને મહર્ષિ સાથે રહેવાની ઈચ્છા થઈ આવી પરંતુ એ ઈચ્છાની પૂર્તિમાં થોડીક મુશ્કેલી પડી. એ મુશ્કેલી મહર્ષિના કેટલાક ભક્તોના વિરોધને લીધે ઊભી થયેલી. એ ભક્તોને એવી આશંકા થઈ કે અલઘમ્મા મહર્ષિ સાથે કાયમને માટે રહેવાનો આગ્રહ રાખશે તો મહર્ષિ કદાચ અરૂણાચલનો ત્યાગ કરીને બીજે જતા રહેશે. પરંતુ એવી આશંકા અથવા ભીતિ નિરાધાર હતી. મહર્ષિની પોતાની પરિસ્થિતિ પહેલાં કરતાં પલટાઈ ગયેલી. એ પરિસ્થિતિમાં એમની અશાંત અને વૃદ્ધ માતા એમની પાસે રહેવા જાય તો એ એનો વિરોધ કરે તેમ ન હતા. એ એટલા દયાળુ, સહાનુભૂતિસંપન્ન ને કૃતજ્ઞ તથા સેવાભાવી તો હતા જ. ગયા વખતની ભયંકર બીમારી દરમિયાન એમણે માતાની કરેલી નિષ્ઠાપૂર્વકની સેવા હજુ તાજી જ હતી.

એ બધા વિચારોથી પ્રેરાઈને અલઘમ્મા આખરે મહર્ષિ પાસે કાયમ માટે રહેવાની ઈચ્છાથી પહોંચી ગયાં. મહર્ષિએ કેટલાક આશંકાશીલ ભક્તોના આશ્ચર્ય વચ્ચે એમનો જરા પણ વિરોધ ના કર્યો. એ મહર્ષિની સાથે શરૂઆતમાં વિરૂપાક્ષી ગુફામાં ને પછી સ્કંદાશ્રમમાં રહેવા લાગ્યાં.

મહર્ષિના નાના ભાઈ નાગસુંદરમને પોતાની પાસે રાખવાની ઈચ્છા એ માયાળુ માતાને થઈ આવે એ સ્વાભાવિક હતું. એ પણ મહર્ષિના શાંતિમય સાંનિધ્યમાં રહીને મહર્ષિની સેવા કરતાં જીવનને ઉજ્જવળ બનાવે તો કેવું સારું એવા સદવિચારથી પ્રેરાઈને એક ભક્તને એમણે ઘેર મોકલ્યો. નાગસુંદરમે એ ભક્તની સાથે આવીને મહર્ષિની પાસે રહેવા માંડ્યું. પહેલાં તો એમણે તિરુવણ્ણામલૈનાં ભાવિક કુટુંબોમાં ફરીને ભિક્ષા માગવાનું શરૂ કર્યું. પરંતુ પાછળથી એની આવશ્યક્તા ના રહી, કારણ કે મહર્ષિના ભક્તો તરફથી આશ્રમમાં પૂરતા પ્રમાણમાં ભિક્ષા પહોંચાડવામાં આવતી. એ ભિક્ષા ત્યાં રહેનારને માટે પૂરતી થઈ પડતી.

નાગસુંદરમે મહર્ષિની સેવામાં મન લગાડી દીધું. થોડા વખત પછી એમણે સંન્યાસ લઈને કાષાય વસ્ત્રો પહેરવા માંડ્યાં ને નિરંજનાનંદ સ્વામીનું નવું નામ ધારણ કર્યું. મહર્ષિની સેવાસહાયતામાં એમનો ફાળો વરસો સુધી ઘણો મોટો રહ્યો. મહર્ષિના પ્રશંસકો કે ભક્તો એમના નામ તથા કામથી સુપરિચિત  છે.

* * *          * * *          * * *          * * *

અલઘમ્મા અરૂણાચલ પર્વત પરના નવા વાતાવરણમાં તદ્દન નિશ્ચિંતતાપૂર્વક રહેવા લાગ્યાં. મહર્ષિનો સમાગમ એમના સંતપ્ત અંતરને શાંતિ આપનારો થઈ પડ્યો. પાછળથી સમયનો સદુપયોગ કરવાના આશયથી એમણે મહર્ષિ અને એમની સાથે રહેતા બીજા બધાને માટે રસોઈ બનાવવા માંડી.

વખતના વીતવાની સાથે એમના વિચારો ને ભાવોમાં પરિવર્તન થતું ગયું. આશ્રમમાં મહર્ષિની માતા હોવાથી પોતાનું સ્થાન સૌથી આગળ પડતું કે મોટું છે એવા ભૂલેચૂકે પણ ઉત્પન્ન થતા ભાવને એમના જ હિત માટે દૂર કરવાનો પ્રયત્ન મહર્ષિએ ચાલુ રાખ્યો. એમની મર્યાદિત મમતામાંથી એમને મુક્તિ આપીને પવિત્ર પ્રેમમાં પ્રતિષ્ઠિત કરવાની આવશ્યક્તા હતી. એમના મનમાં આશ્રમમાંના એમના વિશેષાધિકાર બાબત કોઈ પ્રકારના ભ્રાંત ખ્યાલો ઘર ના કરી બેસે એ માટે મહર્ષિ સાવધાન રહેતા. એમને મહર્ષિ માટે પુષ્કળ મમતા હતી અને મહર્ષિની એવી જ અસાધારણ મમતાની એ સામેથી અપેક્ષા રાખતાં. એ અપેક્ષાનો અંત આણવા માટે મહર્ષિ એમની સાથે અમુક પ્રકારનો વિશિષ્ટ વ્યવહાર કરતા રહેતા.

અલઘમ્મા વાત કરતાં ત્યારે મહર્ષિ આરંભમાં એમને ઉત્તર ના આપતા. એમને માટે એ અવસ્થા સ્વાભાવિક અને એમના અલૌકિક આત્મવિકાસની પરિચાયક હોવા છતાં અલઘમ્માની દૃષ્ટિ સીમિત હોવાથી એમને એથી લાગી આવતું. એમને વધારે ખરાબ તો ત્યારે લાગતું જ્યારે એ લક્ષ્મી અમ્માલ અને બીજી સ્ત્રીઓની સાથે વાત કરતા ને પોતાની ઉપેક્ષા કરતા દેખાતા, એકવાર એમણે એ બાબત ફરિયાદ કરી તો મહર્ષિએ એમને જણાવ્યું કે એ એકલી નહિ પણ બીજી બધી સ્ત્રીઓ એમને મન માતા બરાબર હતી.

અલઘમ્માને આરંભમાં તો એ ઉત્તર બરાબર ના લાગ્યો પરંતુ પાછળથી, અનુભવનું ઊંડાણ વધતાં, એની ઉચિતતાને એ સમજી શક્યાં. મહર્ષિ દુન્યવી વિચારો, ભાવો કે ખ્યાલોમાંથી મુક્તિ આપીને ક્રમે ક્રમે એમની કાયાપલટ કરવા માગતા’તા અને એ કાયાપલટ એમણે કરી પણ ખરી. એમની જ કૃપાપ્રસાદીથી એમની આત્મિક ભાવના વિશેષ વિસ્તૃત બની.

અલઘમ્માની ધર્મભાવના મહર્ષિના સંસર્ગમાં ઉત્તરોત્તર વિશદ બનતી ને વધતી ગઈ. મહર્ષિ પાસે આવનારા ભક્તોની જિજ્ઞાસાને સંતોષવા માટે મહર્ષિ એમની સાથે જે વાર્તાલાપ કરતા તેમાંથી એમને ઘણું ઘણું જાણવાનું મળતું. એ વાર્તાલાપના નિરંતર શ્રવણથી ઈ.સ. ૧૯૧૬ થી ઈ.સ. ૧૯૨૨ સુધીના છ વરસના એમના મહર્ષિ સાથેના નિવાસ દરમિયાન એમની અંદર ખૂબ ખૂબ પરિવર્તન આવી ગયું. આમ તો એ થોડાંક તામિલ ભક્તિગીતો તથા દક્ષિણામૂર્તિસ્તોત્રનું રટણ કરી શકતાં, પરંતુ એ સત્સંગના સુપરિણામરૂપે ઉચ્ચ પ્રકારનાં આધ્યાત્મિક તત્વો કે રહસ્યોની સ્પષ્ટ સમજ એમને પ્રાપ્ત થઈ અને એમની અનેકાનેક ભ્રાંતિઓ ભાંગી ગઈ. એમનો જાણે કે નવો અવતાર થયો––અવનવો અધ્યાત્મિક અવતાર. એ બધું મહર્ષિના અસાધારણ અનુગ્રહનું જ ફળ હતું. એમણે પોતાનું અભ્યુત્થાન કરવાની સાથે સાથે પોતાની માતાનું આત્મકલ્યાણ પણ સહજ કરી દીધું. માતાની એથી વિશેષ મહામૂલ્યવાન સેવા બીજી કયી હોઈ શકે ?

અલઘમ્માના હૃદયમાં રાગને બદલે વૈરાગ્યભાવ ઊછળવા લાગ્યો. એમનું મન વધારે ને વધારે ઈશ્વરપરાયણ બનતું ગયું. એક દિવસ એવો પણ હતો જ્યારે એ આસક્તિવશ થઈને મહર્ષિને પોતાની સાથે ઘેર પાછા ફરવાનો આગ્રહ કરતાં’તાં. એ આગ્રહ આગ્રહ મટીને હઠાગ્રહમાં પણ પરિણમેલો. એથી પ્રેરાઈને એમણે લાગણીના અતિરેકમાં આવી જઈને ક્રંદનો પણ કરેલાં ને મહર્ષિને ના કહેવા જેવું કહેલું પણ ખરું. એ વખતે એમનું મન ઘર તથા કુટુંબની મમતાથી ભરેલું હતું. અને હવે ? આજે એ મનની દશા કેવી જુદી થઈ ગઈ ! આજે એમની અવસ્થા કેવી અનોખી બની ગઈ ! આજે એમને અરૂણાચલ પર્વતના પવિત્ર પ્રદેશમાં મહર્ષિની સંનિધિમાં રહીને સાધના કરતાં સ્વર્ગસુખ લાગે છે. એમણે મહર્ષિનાં ચરણોમાં સર્વસમર્પણ કર્યું છે. એમની અવસ્થા આજે એવી અનેરી બની ગઈ છે કે મહર્ષિના ભક્તો કે મહર્ષિ પોતે પણ એમને કદાચ અરૂણાચલને છોડીને ઘેર પાછા જવાનું કહે તો પણ એ નથી જાય તેમ. એમનું અંતર ખરેખર અમીમય અને આલોકિત બની ગયું છે.

અલઘમ્મા ! તમારું જીવન અથવા શરીરધારણ સાચેસાચ સફળ છે. જગતમાં જન્મીને તમે બીજું કશું જ ના કર્યું હોત, કોઈયે સાધના અથવા આરાધના, તપશ્ચર્યા, સાધના અને એકાંતવાસ અથવા આત્મજ્ઞાનનો આધાર ના લીધો હોત, વ્રત કે નિયમનું પ્રેમપૂર્વકનું પાલન કે તીર્થાટન ના કર્યું હોત, ને રમણ મહર્ષિ જેવા મહાત્માપુરૂષને પ્રકટ કરવામાં નિમિત્ત બનવાનું એક જ કાર્ય કર્યું હોત તો પણ તમે અમર બની જાત ને જીવન ઉજ્જવળ તથા શરીરધારણ સફળ અથવા સાર્થક થાત. એ જીવન ખરેખર ઉત્સવ કરવા જેવું બની જાત અને એ એક જ કાર્યથી મંગલ મનાત. રમણ મહર્ષિ જેવા પ્રાતઃસ્મરણીય મહાપુરૂષને જન્માવવાનું, એવા મહાયોગીના માતા બનવાનું કાર્ય કાર્ય નહિ પરંતુ મહાકાર્ય હતું. એને માટે કેટલું મોટું સૌભાગ્ય જોઈએ એની કલ્પના કોણ નથી કરી શકતું અને એ મહાકાર્યને સિદ્ધ કરનારની મહત્તાને પણ કોણ નથી સમજી શકતું ? એ કાર્ય સાધારણ કે સર્વસાધારણ રહેવાને બદલે ઐતિહાસિક બની ગયું.

 

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.