આપણે ત્યાં પેલી સુપ્રસિદ્ધ શ્લોક પંક્તિમાં કહેવામાં આવ્યું છે ને સુયોગ્ય રીતે જ કહેવામાં આવ્યું છે કે જનની અને જન્મભૂમિ બંને સ્વર્ગ કરતાં પણ વધારે સુખદ, મહિમામય તથા ઉત્તમ છે. जननी जन्मभूमिश्च स्वर्गादपि गरीयसी ।
સામાન્ય રીતે માનવમનમાં એ વિચાર ને ભાવ રમતો હોય છે. જનની ને જન્મભૂમિનો આશ્રય એને અનેરો આનંદ આપે છે, એના જીવનમાં અવનવો રસ ભરે છે, અને સર્વોત્તમ સુખશાંતિનો આસ્વાદ આપી, પ્રેરણા પાઈ, એક પ્રકારની ધન્યતા ધરે છે. એ બંને વસ્તુઓને માટેનું એનું આકર્ષણ અથવા મમત્વ અનાદિ જેવું છે એમ કહીએ તો ચાલે. એ દેશકાળથી પર છે. એટલા માટે જ કેટલાક અપવાદોને બાદ કરતાં મોટે ભાગે માનવની પ્રકૃતિ જ એવી અનોખી છે કે એ ગમે ત્યાં રહે, ફરે ને ગમે તે કરે, તો પણ જનની ને જન્મભૂમિનું વિસ્મરણ નથી કરી શકતો, એનું દુઃખ જોઈ કે સાંભળી નથી શકતો, એનો દીર્ઘકાળનો કે કાયમનો વિયોગ નથી વેઠી શકતો, અને એની પાસે પહોંચીને એની શીતળ સુખમય છત્રછાયામાં જ શાંતિ કે સ્વર્ગસુખ મેળવી શકે છે.
એ તો સામાન્ય માનવ અથવા માનવસમાજની વાત થઈ, પરંતુ જે આત્મોન્નતિના માર્ગે આગળ વધીને પોતાની પાર્થિવ પ્રકૃતિ પર પ્રભુત્વ પ્રસ્થાપિત કરી શક્યા છે, એ પ્રકૃતિને પરિશુદ્ધ કરી કે પલટાવી શક્યા છે, એવા લોકોત્તર મહાપુરૂષો કે સંતો એવા આકર્ષણ અથવા મમત્વનો અનુભવ નથી કરતા. તીવ્ર તપશ્ચર્યા અથવા સાધના અને આરાધનાને પરિણામે એમના સંસ્કાર, વિચાર તથા ભાવમાં આમૂલ પરિવર્તન થયું હોય છે અને એમની દૃષ્ટિ કે વૃત્તિ બદલાઈ ગઈ હોય છે. એ वसुधैव कुटुम्बकम् । ‘સારી પૃથ્વી કુટુંબ’ અથવા ‘સર્વે જીવો પોતાના જ આત્મા જેવા’ आत्मवत् सर्वभूतेषु । ભાવોનો અનુભવ કરતા હોય છે. એમની જનની ને જન્મભૂમિની ભાવના વધારે વિસ્તૃત ને વિરાટ બનતાં એ સમસ્ત સૃષ્ટિને જન્મભૂમિ સરખી સુંદર, સુખદ ને સ્વર્ગીય સમજે છે તેમજ સૌ કોઈમાં પરમાત્માના પવિત્ર પ્રકાશનું દર્શન કરે છે. એવા મહાપુરૂષોને કોઈ એક વિશેષ વ્યક્તિ કે વસ્તુનું આકર્ષણ અથવા મમત્વ ક્યાંથી હોઈ શકે ? એમની પાસેથી એને માટેની આશા પણ ના રાખી શકાય.
તો પણ, એવા આત્મવિકાસની અસાધારણ અવસ્થા પર પહોંચેલા પ્રાતઃસ્મરણીય મહાપુરૂષો કોઈના પ્રત્યે તિરસ્કારભાવ તો રાખી જ નથી શકતા. એવા મહાપુરૂષો પણ કોઈવાર પ્રારબ્ધ, કર્મસંસ્કાર કે ઈશ્વરેચ્છાથી પ્રેરાઈને માતાપિતા તથા અન્ય કુટુંબીજનોની સેવા કરતા, સંભાળ રાખતા અને સાથે રહેતા દેખાય છે. જેમના ઋણાનુબંધ કે સંસ્કારો શાંત થઈ ગયા હોય છે તે તેવું નથી કરી શકતા, પરંતુ જેમના સંસ્કારોની પરિસમાપ્તિ નથી થઈ હોતી તેમના તેવા સંબંધો ટકી શકે છે, ને ટકે કે રહે તો તેમાં કશું ખોટું નથી. એને લીધે એમની અસાધારણ આત્મિક અવસ્થામાં કશો અંતરાય નથી પેદા થતો, અને એ મમતા, અહંતા, આસક્તિ અથવા રાગદ્વેષના બંધનમાં પણ નથી પડતા. એ સંબંધો એમની આત્મવિકાસની સાધનાની વચ્ચે નથી આવી શકતા. ગુરૂ નાનકદેવ છેવટે ઘરમાં જ રહેલા, શંકરાચાર્ય ને સમર્થ રામદાસ માતાની પાસે આવેલા, સંત તુકારામ, એકનાથ, જ્ઞાનેશ્વર ને નરસી મહેતા જન્મભૂમિમાં જ રહેલા ને રામકૃષ્ણ પરમહંસદેવ તેમની માતા તથા પત્ની સાથે જ અનાસક્તભાવે રહેલા. તો બુદ્ધ જેવા બીજા કેટલાકે બાહ્ય ત્યાગનો આશ્રય લઈને સ્વજનોથી દૂર રહેવાનું જ પસંદ કરેલું.
* * * * * * * * * * * *
મહાપુરૂષોને જનની, જન્મભૂમિ ને એમના કુટુંબીજનોના ભાવો ના સતાવતા હોય એ સહેજે સમજી શકાય તેવું છે. એમને મળવાની આકાંક્ષા એમને ના થાય એ પણ સમજી શકાય છે. પરંતુ એમનાં કુટુંબીજનોને તો એમને મળવાની ઈચ્છા રહેતી જ હોય છે. એમાંયે જનનીના અંતરની લાગણી કોઈક અનેરી જ હોય છે. પોતાનાં સંતાન પ્રત્યેનો પ્રેમ અસીમ, અદ્દભુત અને અપાર્થિવ હોય છે. એમને જોઈને તેમજ યાદ કરીને એ સ્વર્ગસુખ અનુભવે છે અને એમનો વિયોગ એને માટે અતિશય દુઃખદ ઠરે છે. દુનિયાની કોઈ કોઈ વિરલ માતાઓ એના અપવાદરૂપ હોઈ શકે ખરી, પરંતુ મોટે ભાગે તો એ નિયમ કે વિધાન સર્વ સામાન્ય છે એમાં શંકા નથી.
મહર્ષિની માતાના સંબંધમાં પણ એ સાચું હતું.
મહર્ષિની સ્નેહમયી સ્મૃતિ એમને અવારનવાર, અહર્નિશ થઈ આવતી અને સંવેદનશીલ કરતી.
મહર્ષિની માતા અલઘમ્મા તિરુવણ્ણામલૈ આવીને મહર્ષિ પાસેથી દેખીતી રીતે જ નિષ્ફળતાપૂર્વક પાછાં ફર્યાં તે પછી એમના જીવનમાં કાળે કેટકેટલાં કઠોર અથવા કરુણ પરિવર્તન કરી નાખ્યાં, એનું ઊડતું અવલોકન માહિતીપૂર્ણ ને રસપ્રદ થઈ પડશે. ઈ.સ. ૧૯૦૦માં નાગસ્વામીની સાથે મહર્ષિ પાસેથી પાછા ફર્યા પછીના થોડા જ વખતમાં વિધિએ એમની વ્યથામાં વૃદ્ધિ કરવા ધાર્યું હોય તેમ, નાગસ્વામીનું મૃત્યુ થયું. એમનું દિલ એ આકસ્મિક ઘટનાથી ખૂબ જ દુઃખી બની ગયું. એ દુઃખ સહેલાઈથી ઘટે કે દૂર થાય તેમ ન હતું.
મહર્ષિના નાના ભાઈ નાગસુંદરમનું સ્વાસ્થ્ય સારું નહોતું રહેતું. એમને દુન્યવી અને આધ્યાત્મિક બાબતોનો અધિક અનુભવ નહોતો મળ્યો. પહેલાં એમને મૂર્છા આવતી, પરંતુ વખતના વીતવા સાથે એ ક્રમેક્રમે મટી ગયેલી. એમની અંદર ઈશ્વરની શ્રદ્ધાના સંસ્કારો તો હતા જ, પરંતુ એ સંસ્કારોને સાધનાનું સાનુકૂળ શક્તિશાળી સિંચન નહોતું મળ્યું એટલે એ સુદૃઢ નહોતા બની શક્યા. એ મંદિરમાં કારકુન તરીકે કામ કરવા પણ રહેલા. ઈ.સ. ૧૯૦૨માં એ મહર્ષિને મળવા આવેલા. એ વખતે મહર્ષિ સદગુરૂસ્વામીની ગુફામાં વાસ કરતા. એ મૌન રાખતા. એમને એ અત્યંત લાગણીવશ થઈને ભેટી પડ્યા ને રડવા લાગ્યા. મહર્ષિને એવી લાગણીની અસર થાય તેમ ના હોવાથી એ સ્મિત કરતા રહ્યા. એમણે શાંતિ રાખી. નાગસુંદરમ થોડોક વખત એમની સાથે રહ્યા તો ખરા પરંતુ સત્વર સમજી ગયા કે એમને સ્વજનો માટે મમત્વ અથવા આકર્ષણ નથી રહ્યું. એમણે એમની સંનિધિ અથવા સેવામાં રહેવાની ઈચ્છા બતાવી, પરંતુ તે વ્યર્થ ગઈ. મહર્ષિએ સાથે રહેવાની અનુમતિ ના આપવાથી એ ઘેર પાછા ફર્યા.
એ પછી અલઘમ્માએ મહર્ષિની મુલાકાત લીધેલી. એમનાં બીજાં કુટુંબીજનો પણ એમની પાસે આવેલાં. કાશીની યાત્રાના પવિત્ર પ્રસંગ વખતે એમણે એમનાં દર્શનનો લાભ લીધેલો. એ પછી ઈ.સ. ૧૯૧૪ માં એ તિરુપતિની યાત્રાએ ગયાં ત્યારે ત્યાંથી પાછાં ફરતી વખતે મહર્ષિને મળવા માટે તિરુવણ્ણામલૈ ઊતરી પડ્યાં ને થોડાક સમય સુધી વિરૂપાક્ષી ગુફામાં રહ્યાં. મહર્ષિના સાંનિધ્યમાં એમને સ્વાભાવિક રીતે જ શાંતિ મળી. એમનો શોક હળવો થયો. એમને સંસારની અસારતાનો અનુભવ થયો હોવાથી એમનું મન તીર્થયાત્રા અને ઈશ્વરભક્તિ તરફ વળવા માંડેલું. એવા સંજોગોમાં મહર્ષિનો સત્સંગ એમને સારુ અત્યંત સુખદ, પ્રેરણાત્મક અને આશીર્વાદરૂપ થઈ પડ્યો. એ સત્સંગથી એમને ઘણું ઘણું જાણવાનું મળ્યું.
એ વખતે એમને ભયંકર માંદગીમાં સપડાવું પડ્યું. એને લીધે એ વિરૂપાક્ષી ગુફામાં ત્રણેક અઠવાડિયાં રહ્યાં. મહર્ષિ જેવા આદર્શ મહાપુરૂષ એવે વખતે ઉદાસીન કેવી રીતે રહી શકે ? એ પોતાની પીડાને કદાચ ના ગણકારે, પરંતુ બીજાની પીડા તો એમને સ્પર્શે જ. પીડાને મટાડવા પોતાની મર્યાદામાં રહીને અલિપ્તભાવે બનતા પ્રયત્નો પણ કરી છૂટે.
મહર્ષિનું દિલ દયાળુ હતું. એમને એમના કર્તવ્યનો પૂરેપૂરો ખ્યાલ હતો. એ ખ્યાલથી પ્રેરાઈને એમણે પ્રમાદી બનીને એ માંદગીના મૂક સાક્ષી બનીને બેસી રહેવાને બદલે માતાની સારી પેઠે સેવા કરી. એ સેવા એક ઉત્તમોત્તમ આદર્શરૂપ અને અનુકરણીય હતી.
માતાની માંદગી પરાકાષ્ઠા પર પહોંચી ત્યારે મહર્ષિનું અંતર અધિક સંવેદનશીલ બની ગયું. એ સંવેદનથી યુક્ત થઈને એમણે ભગવાન અરૂણાચલેશ્વરની તામિલ ભાષામાં પ્રેમપૂર્ણ પ્રાર્થના કરીને એમના અસાધારણ અનુગ્રહની આકાંક્ષા વ્યક્ત કરી. આ રહ્યો એમની એ પ્રાર્થનાનો ભાવાર્થ :
‘જન્મજન્માંતરનાં દુઃખોને માત્ર શરણાગતિથી દૂર કરવાની શક્તિ ધરાવનારા અરૂણાચલ ! મારી માતાને તાવની પીડામાંથી મુક્ત કરી દે.’
’હે કાળના કાળ પરમાત્મા ! મેં તારા ચરણકમળનું શરણ લીધું છે. તારા અનુગ્રહની મારી માતા પર વૃષ્ટિ કર અને એની મૃત્યુથી રક્ષા કર. વિચાર કરીને જો બરાબર જોવામાં આવે તો કાળ શું છે ? તારું જ એક વિનાશક સર્વસંહારક સ્વરૂપ છે.’
‘અરૂણાચલ ! હે પ્રજ્ઞાની પાવન પ્રકાશમય પ્રખર જ્યોતિ ! મારી માતાને તારા પવિત્ર પ્રકાશથી ઘેરી લે અને તારી સાથેની એકતાની અનુભૂતિનો અવસર દે. એવો અનુગ્રહ કરી દે તો પછી મૃત્યુ પછી ચિતા પર ચઢાવવાની આવશ્યકતા જ ક્યાં રહે છે ?’
‘માયાનાં બંધનોને તોડી નાખીને મુક્તિનો મહાન આનંદ આપનાર ઓ અરૂણાચલ ! મારી માતાની પીડાનો અંત આણવામાં શા માટે વિલંબ કરી રહ્યો છે ? તારા સિવાય કોઈ બીજું એવું છે ખરું કે જે એનો અંત આણી શકે ? તારા વિના એવું બીજું કોણ છે જે પૂર્ણ વાત્સલ્યભાવથી પ્રેરાઈને સંતપ્ત આત્માની શાંતિ વરસાવીને રક્ષા કરી શકે અને પ્રારબ્ધના પ્રત્યાઘાતોને મટાડી શકે ?’
* * * * * * * * * * * *
મહર્ષિની પ્રેમપૂર્ણ પોકાર જેવી એ પ્રાર્થના ભગવાન અરૂણાચલે સાંભળી. એને લીધે એમની માતાની પીડાનો ધીમે ધીમે અંત આવ્યો. એમની માંદગી મટી ગઈ.

