અંગ રહે વિચરે જ્યાં ત્યાં છો,
આતમ લીન તમારામાં હો !
પંખી વ્યોમ વિહાર કરે જે, માળાને વિસરે ન કદી તે;
રાખી ધ્રુવતારક જ નિશાની નાવિક ચાલે નાવ લઈને,
તેમ સફર કરતું જીવન છો; આતમ લીન તમારામાં હો. ... અંગ રહે.
વીંધી કંટક ને પત્થરને, પાર કરી જંગલ ને રણને;
સરિતા જે અભિસારે નીકળી, શાંત બને પામી પ્રીતમને,
તેમ મારા સંકટ વેદન છો, આતમ લીન તમારામાં હો. ... અંગ રહે.
દીપક જલે પ્રકાશ ધરે છે, સાગર તપી અમી વરસે છે;
‘પાગલ’ પ્રાણ તમારે માટે તેમ બની મેં શિરને સાટે,
તેજ ધરે અમૃત આપે છો, આતમ લીન તમારામાં હો. ... અંગ રહે.
(૧૪-૧૧-૧૯૫૭, ગુરૂવાર)
– © શ્રી યોગેશ્વરજી

