અડગ રહો વિશ્વાસ, મારો અડગ રહો વિશ્વાસ.
અંધકાર આપત્તિમાંયે થાવ કદી ન ખલાસ,
કરુણ અંતર દર્દમહીંયે ગાઓ ભીમપલાસ ! ... અડગ.
પર્વત આવે ભેખડ ભારે, આપો તોય ઉજાસ;
મુસીબતોમાંયે મસ્ત કરો મનને ભરી હુલાસ. ... અડગ.
દુઃખોથી ના ડગો, મરો ના મોત ભલે હો પાસ;
ધીરજ હિંમત સ્થાપો હૈયે શાંતિ શ્વાસોશ્વાસ. ... અડગ.
બનો પ્રેરણા ને બળ જીવન, હો અખંડ અવિનાશ;
પ્રેમળ પ્રાણ મદદથી એના કરો સમીપે વાસ. ... અડગ.
(૩૦-૯-૧૯૫૭, સોમવાર)
– © શ્રી યોગેશ્વરજી

