Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921
સંતો ને મહાત્માઓ પણ એને ગુરૂભાવે જોતા. એની પ્રસિદ્ધિ ઘણી ભારે હતી. એ જ્ઞાની સ્ત્રી ઘરમાં રહેતી છતાં મહાન યોગિની હતી. એની કીર્તિ સાંભળીને અમે એને મળવા ગયા.

મારી સાથેના નવયુવાને એનાથી પ્રભાવિત થઈને એને કહ્યું: ‘મારો વિચાર સંન્યાસ લેવાનો છે: તમે મને આશીર્વાદ આપશો?’

એણે સ્મિત સાથે ઉત્તર આપ્યો: ‘અરે, સંન્યાસ તે કોઈ લેવાની વસ્તુ છે? એ તો અંદરથી આપોઆપ આવે છે. જો હું ઘરમાં રહું છું તો પણ અહંતા ને મમતાથી પર છું. મને રાગદ્વેષ નથી.’

ને તે પછી અમારા આશ્ચર્ય વચ્ચે આંખ મીંચીને થોડીવારમાં તે સમાધિસ્થ થઈ ગઈ. એનું શરીર અચલ થઈ ગયું. કલાકેક પછી એ સમાધિમાંથી જાગ્રત થઈને બોલી: ‘દેહભાવનો પણ આ રીતે મેં ત્યાગ કર્યો છે. મારો સંન્યાસ પૂરો થયો છે. તું પણ તેવો સંન્યાસ ધારણ કર.’

ને નવયુવાને એના ચરણમાં પ્રણામ કર્યાં.

- શ્રી યોગેશ્વરજી