Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

सा ब्रह्मेति होवाच ब्रह्मणो वा एतद्विजये ।
महीयध्वमिति ततो हैव विदाञ्चकार ब्रह्मेति ॥१॥

sa brahmeti hovaca brahmano va etad-vijaye
mahiyadhvam iti tato haiva vidam ch akara brahmeti.

કહ્યું ઉમાએ યક્ષ નહીં તે પરમાત્મા પ્રત્યક્ષ હતા,
યુદ્ધ તમે જીત્યા તેનાથી છતાં ગર્વમાં મત્ત હતા;
ઉતારવા અભિમાન તમારું તેથી પ્રભુ આવેલ હતા,
ત્યારે ઈન્દ્રે માની લીધું ખરેખરે એ બ્રહ્મ હતા ! ॥૧॥

અર્થઃ

સા - એ દેવીએ
હ ઉવાચ - સ્પષ્ટતાપૂર્વક જણાવ્યું કે
બ્રહ્મ ઇતિ - એ તો પરમાત્મા પોતે જ છે.
બ્રહ્મણઃ વૈ - એ પરમાત્મા જ
એતદ્વિજયે - એ વિજયમાં
મહીયધ્વમ્ ઇતિ - તમે સૌએ તમારો મહિમા માની લીધેલો.
તતઃ એવ - એ કથનથી જ
હ - નિશ્ચયાત્મક રીતે
વિદાંચકાર - (ઇન્દ્રે) સમજી લીધું (કે)
બ્રહ્મ ઇતિ - યક્ષ બ્રહ્મ છે.

ભાવાર્થઃ

ઇન્દ્રની પ્રાર્થના પ્રત્યુત્તરરૂપે ભગવતી બ્રહ્મજ્ઞાન સ્વરૂપ ઉમાદેવીએ જણાવ્યું કે પરમાત્મા પોતે જ એ યક્ષના સ્વરૂપે પ્રકટ બનેલા. અસુરો સાથેના યુદ્ધમાં એમની શક્તિ તથા કૃપાથી જ તમે વિજયી બનેલા. પરંતુ એમના મહિમાને શ્રદ્ધાભક્તિપૂર્વક સમજીને એ વિજયનો યશ એમને આપવાને બદલે, મિથ્યાભિમાનથી પ્રેરાઇને એ વિજયને તમે તમારો માની બેઠા. એમના મહિમાને તમે અજ્ઞાનને લીધે તમારો જાણ્યો. એમને લીધે તો તમારું ને સમસ્ત સંસારનું અસ્તિત્વ છે, અને એમને લીધે જ સૌ કોઇ કાર્ય કરી શકે છે. છતાં તમે એ હકીકતને ભૂલી ગયા. એટલે તમને એ મિથ્યાભિમાનમાંથી મુક્ત કરવા માટે એમણે યક્ષનું રૂપ લઇને તમારી અલ્પતાનું ભાન કરાવ્યું. હવે એમના મહિમાને જાણી લો.