હું તે તું, તું તે હું.
આપણા ઉભયમાં વિચારી શકાય,
વર્ણવાય, એવો ભેદભાવ શું?
બિંદુ સિંધુ, સિંધુ બિંદુ.
સિંધુ સિવાય બિંદુ ના તો બિંદુ સિવાય સિંધુ શું?
રવિનું રશ્મિ, રશ્મિઓનો રવિ.
એકની અનુપસ્થિતિમાં અન્યનું અસ્તિત્વ જ શું?
અગ્નિનો અંગાર, અંગારાનો અગ્નિ.
પાંખડી વિનાનું કોઈ પુષ્પ ક્યાં થયું?
આંખડી વિનાનું ભલે અંગ કો રહ્યું
આંખને આભા વિનાની સ્વપ્ને ના ગણું.
પાંખ વિનાનું કોઈ પંખી ના બન્યું.
આંખ પાંખ તું જ મારી,
હુંય આંખ પાંખ તારી;
દીપિકા ને મૃત્તિકાશો આપણો સંબંધ;
બીજમાં જ વૃક્ષ વસે, વૃક્ષમાંથી બીજ બને,
એકથી વ્યાપાર બને ઉભયના બંધ.
–© શ્રી યોગેશ્વરજી (‘દર્પણ’)

