નિત્ય અને અનિત્યની ચિંતામાં ક્યાં પડું?
અનિત્ય પણ આનંદ અર્પે, શાંતિ બક્ષે તો શા માટે ના લઉં;
અંતે તો સઘળું અનિત્ય જ છે.
નિત્ય અને અનિત્યની ચિંતામાં શા માટે પડું?
પૂર્ણ અને અપૂર્ણની ઉપાધિમાં ક્યાં પડું?
અપૂર્ણ રસ ધરે, પૂર્ણત્વની પ્રેરણા ભરે તો એનો લાભ શા માટે ના લઉં;
અંતે તો સઘળું અપૂર્ણ જ છે.
પૂર્ણ અને અપૂર્ણની ઉપાધિમાં શા માટે પડું?
ધ્રુવ અને અધ્રુવના વર્ગીકરણમાં કાં પડું?
અધ્રુવ અભ્યુત્થાન કરે, પ્રકાશ ધરે, તો એનો અંગીકાર શા માટે ના કરું;
અંતો તો સમસ્ત સર્જન અધ્રુવ છે.
ધ્રુવ અને અધ્રુવની ઉપાધિમાં શા માટે પડું?
શાશ્વત અને અશાશ્વતની ફિલસૂફીમાં શા માટે પડું?
અશાશ્વત શાશ્વત તરફ લઈ જાય તો શા માટે એની અવજ્ઞા કરું;
આમ તો સર્વકાંઈ અશાશ્વત છે.
શાશ્વત અશાશ્વતની વિચારસરણીમાં વ્યર્થ કાં પડું?
પ્રત્યેક્ષને મૂકીને પરોક્ષની,
જ્ઞાતને છોડીને અજ્ઞાતની આરાધનામાં કાં પડું?
જીવનના રહ્યાસહ્યા રસને કસને ખોઈ નાખીને
શા માટે ફોગટ ફેરા કરું?
પ્રત્યક્ષ ને પરોક્ષની, જ્ઞાત અજ્ઞાતની હરિફાઈમાં કાં પડું?
છે એને જ શા માટે ના આરાધું?
એનો લાભ લઈને સુખશાંતિ શા માટે ના પામું?
આનંદ શા માટે ના અનુભવું?
એ ધ્રુવ નિત્ય પૂર્ણ શાશ્વત ના હોય તો પણ શું?
એ ના હોય ત્યારે સ્વસ્થ રહી શકું, શાંત બની શકું
એટલું પરિબળ પામી લઉં,
પછી બીજી ઉપાધિમાં પડીને હાથે કરીને શા માટે અશાંત થઉં?
ધરતી પર ફરી શકતો હોઉં
તો આકાશમાં અકારણ ઉડનારો શા માટે ફિલસૂફ થઉં?
–© શ્રી યોગેશ્વરજી (‘દર્પણ’)

