મારો સઘળો પ્રેમ તમારે માટે.
અણુ અણુથી આવિર્ભાવ પામેલો
પરમાણુમાંથી પ્રકટેલો
રગરગમાં રસેલો
શ્વાસપ્રશ્વાસમાં પ્રસરેલો
રક્તબિંદુમાં રણકેલો
પાવન પ્રેમ તમારે માટે,
મારો સઘળો પ્રેમ તમારે માટે.
મારા સઘળા ઉમળકા
ભાવ વિચાર સંસ્કાર
સમસ્ત કલ્પનાવૈભવ
પાંખ અડાડી સરિતામાં સ્નાન કરી ઊડી જતાં પંખીની પેઠે
છૂટાછવાયાં કેશને સંકેલી કેશલટમાં બાંધનારી કિશોરીની પેઠે
તમારે જ માટે વહેતા કરું છું.
મારું સમસ્ત જીવન તમારે માટે.
તમને એનો અર્ઘ્ય ધરું છું.
તમને મળું છું અને અહર્નિશ અનવરત રીતે
તમારી તરફ અભિસરણ કરું છું.
સિંધુમાં સમાતી સરિતાની પેઠે
એને લઈને તમારી તરફ અભિસરણ કરું છું.
–© શ્રી યોગેશ્વરજી (‘દર્પણ’)

