Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

તમારું શરણ લીધું તોય ચિંતા ના મરી મારી;
મટી ના વેદના ભારી, કરી જો કે સતત યારી.

મટી ના દીનતા સાચે, હૃદય ના રસમહીં રાચે;
કરી કવિતા છતાં પૂરી થઈ ના કામના મારી.

પુજારી પ્રેમમંદિરનો બન્યો હું જિંદગી આખી;
ફળી પૂજા નહીં તોયે, ન મિલ્કત કૈંય મેં રાખી.

નથી પોકાર શાંત થયા, ઉનાં અશ્રુ નથી જ શમ્યાં;
સળગતી ઘોર આ હોળી મટી ના, અંગ ખૂબ દમ્યાં.

જગતમાં જે ચહે છે તેમને ઈપ્સિત ફળ મળે છે;
પ્રસન્ન થઈ જગતજન કૈં ધન ધરા સાંત્વન ધરે છે !

તમારી વ્યર્થ તો સેવા ? મળ્યા છે કૈંકને મેવા;
સફળ હો યજ્ઞ આ મારો, રહે તો કૈં નહીં કે’વા !

કહેશે જગતનાં જન શું તમારા પ્રેમને માટે ?
નિભાવું નેમને આજે યુગોથી શીશને સાટે.

છતાં સંતોષ ના આપો, હજી શું છે રહ્યું બાકી ?
કરી દો સદ્ય કરૂણા તો બને ચિંતાતણી ફાકી !

દિવસ વીતે અમૂલ્ય બધા, તમારે શોચવું છાજે;
ખરેખર થાય મોડું તે પહેલાં હો પ્રકટ આજે.

થશે નહિ તો તમારી તેમ મારી લોકમાં હાંસી,
થશે ‘પાગલ’ વ્યથિત તેથી, દઈ દે જેમ કો’ ફાંસી !

- © શ્રી યોગેશ્વરજી

Add comment

Submit