હૃદયનો કેમ બતાવું પ્રેમ ?
શબ્દમહીં શે કરી સમાવું,
ગીતે ગાઊં તેમ ? ... હૃદયનો.
અનંતધારે જાય વહી એ
અંતરપટ પર પ્રેમ;
તનમનવચને વ્યક્ત થઈને
પ્રસરે પાગલ જેમ ... હૃદયનો.
ચિત્રમહીં અંકિત કરું ક્યાંથી,
શિલ્પે સર્જું કેમ ?
સંગીતે સાકાર કરું શે,
કહું કથામાં કેમ ? ... હૃદયનો.
પૂર ઉઠ્યાં છે એનાં ઉરમાં,
વિશુદ્ધ જાણે હેમ;
પાવન પ્રાણ કર્યો છે એણે
અર્પણ કરતાં ક્ષેમ ... હૃદયનો.
સ્નાન કરી લો એમાં નિશદિન,
એ છે મારી નેમ;
‘પાગલ’ આમંત્રે છે આજે,
આવો તો સપ્રેમ ! ... હૃદયનો.
- © શ્રી યોગેશ્વરજી

