Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

નિરખવાની મધુર મુખને લગન મુજને ગઈ લાગી,
તમારે કાજ અંતરમાં તરસ તીખી ગઈ જાગી.

મટે ના કેમ કરતાંયે તમારી મધુભરી યાદી,
ફૂલીને ખૂબ ફાલી છે હતી જો કે જરા સાદી.

વખત વીતે છતાંયે ના મટે, દ્વિગુણિત બને છે તે;
હૃદયને રંગતી રાગે, પરમ સુખશાંતિદાયક છે.

ઉછેરી પ્રેમપાણીથી કરી પૂજા વળી બહુયે,
લભ્યો છાયા સુખદ એની, લભી લો માનવી સહુયે !

નયનનો નેહ પીવો છે, મને લગની ગઈ લાગી;
હૃદય રોજે રટે તમને, થયું છે ખૂબ અનુરાગી.

તમારી આંખ તો જાણે પ્રસન્ન પિયૂષની પ્યાલી,
પધારો પાસ મારી તો કરી તેને દઊં ખાલી.

કહે ‘પાગલ’ હૃદયવીણા તમારે કાજ આ વાગી,
સુણો સંગીત એનું, એ રહી મિલ્કત મહા માગી.

- © શ્રી યોગેશ્વરજી

Add comment

Submit