પંખી ઉડવા યત્ન કરે.
પડ્યું પીંજરે ઘાટ ઘડે છે, ઊની આહ ભરે ... પંખી.
ફફડાવીને પાંખ ઘડીમાં છેક હતાશ ઢળે;
મારગ ના દેખાયે કોઈ, યુક્તિ કૈંક કરે ... પંખી.
પીંજર બંધ ઊઘડે ક્યાંથી ? કરૂણા કોણ કરે ?
નિર્દય મનના માનવ એને મુક્તિ કેમ ધરે ? ... પંખી.
યાદ આવતા વિહાર વનના, મનમાં શોક કરે;
વન પર્વતમાં કેમ કરીને ફરીવાર વિહરે ? ... પંખી.
બંધન તૂટે કેમ કરીને કપરો ક્લેશ ટળે ?
મરી ગયેલું ગીત પ્રાણને પાછું કેમ મળે ? ... પંખી.
વિહંગ વનનાં ઉડી આવતાં ચારે તરફ ફરે;
બોલાવે તે સાથે રમવા, કેમ કરી વિચરે ? ... પંખી.
કેદ કર્યું શોખીન જને તે મુક્તિ કેમ ધરે ?
મરણ ભલું છે ગુલામીથકી, પણ તે કેમ મળે ? ... પંખી.
નિરાશ ખિન્ન થઈને બેઠું, મૂક પુકાર કરે;
દયા કરે માલિક તો તેનો મંગલ હેતુ સરે ... પંખી.
‘પાગલ’ કહે ચહે તે પામે, વચનો સત્ય ઠરે;
લોહપીંજરું પણ છૂટે ને અંતે માર્ગ મળે ! ... પંખી.
- © શ્રી યોગેશ્વરજી

