તલસી ચુક્યો ઘણુંયે, તલસાવશો હવે ના.
જીવન તમારે ચરણે ધરિયું સપ્રેમ મેં આ,
સ્વીકારો આજ તેને, રઝળાવશો હવે ના ... તલસી ચુક્યો.
સંકટ સહ્યાં ઘણાંયે, તીખાં તપે કર્યાં મેં;
શક્તિ જરી રહી ના, નિર્બળ મને કરો ના ... તલસી ચુક્યો.
હિંમત ધરી તમારી આરાધના કરી છે;
પરિપૂર્ણ તે કરી દો, નિષ્ફળ મને કરો ના ... તલસી ચુક્યો.
હૈયે જરી જુઓ તો, પ્રિય અન્ય છે નહીં કો’;
મારાં ખરે તમે છો; રીબાવશો હવે ના ... તલસી ચુક્યો.
ચિંતા વધી ઘણીયે, ના વેદના શમી છે;
આ આગમાં વધારે અકળાવશો મને ના... તલસી ચુક્યો.
ભમતો ભવાટવીમાં એકલ અપંગ આવી;
ક્યાં લગ વ્યથાને ગાવી? ભરમાવશો હવે ના ... તલસી ચુક્યો.
હો આજ આશ પૂરી, રાખી ઘણી સબૂરી;
રાખી મજા અધૂરી અકળાવશો હવે ના... તલસી ચુક્યો.
‘પાગલ’ પ્રસન્ન થાશે, માશે નહીં હુલાસે;
ઉપકાર ખૂબ ગાશે; ગવરાવશો હવે ના? ... તલસી ચુક્યો.
- © શ્રી યોગેશ્વરજી

