તાજુ ફૂલ સુવાસિત એક.
ખીલ્યું મારે ઉપવન આજે
સૌન્દર્યભર્યું છેક : ... તાજું.
અમૃત રેલે પ્રતિદલમાંથી,
એમાં ના અતિરેક;
જીવન ફેલાવી દીધું છે
ઉપવન એણે છેક ... તાજું.
સૂર્યકિરણની સાથ રમે છે
ધરતાં રંગ અનેક;
પ્રસન્ન ઊભું પૂજા માટે
નેહભરેલું નેક ... તાજું.
માલિકનું મોંઘેરું મોતી,
પ્રાણ બરાબર છેક;
જોઈ જોઈ હરખે હૈયું
કરતાં કૈંક વિવેક ... તાજું.
એકલવાયું ધ્યાન ધરે છે
સતત નિભાવી ટેક;
‘પાગલ’ અપનાવી લો એને,
કરો તમારું એક ... તાજું.
- © શ્રી યોગેશ્વરજી

