હે દેવ ભરત ભગવાન !
વંદન મારાં લાખ તમોને પ્રભુજી કૃપાનિધાન ! ... હે દેવ.
ગંગાતટ પર કેવું શોભે શુદ્ધ તમારું સ્થાન;
હિમમાળાયે અચળ ઉભી છે દર્શનમાં ગુલતાન ... હે દેવ.
બેઠો આજે અનેક દિનથી હુંય તમારે સ્થાન;
તલસું માની કૃપા પામવા, દેજો મુજ પ્રતિ ધ્યાન .. હે દેવ.
હદ ઉપરાંત સહ્યાં સંકટ મેં, પ્રેમમય કરી પ્રાણ;
દયા કરો તો મળે સહજમાં મને રસતણી લ્હાણ ... હે દેવ.
પ્રેમતણા પારાવાર તમે ભક્તનહિત કરતા,
નેહભરેલી નજર કરો આ શિશુ પર ટળવળતા;
સાચ તમારું ખરે હોય તો મુજને દર્શન થાય,
માનું મંગલ દર્શન પામી કૃતાર્થ થાયે કાય.
કૃપા કરો તો બનું આજ હું આનંદે ગુલતાન ... હે દેવ.
પૂર્ણ તૃપ્તિ સાથે આ સ્થળની અંતે લઊં વિદાય,
માનું તો ઉપકાર તમારો; કરજો મને સહાય.
આ સ્થળ થાય ખરે જ યશસ્વી, મંગલગીત ગવાય,
હિમાલયતણી પવિત્ર જોકે છે પ્રખ્યાત હવા ય.
તલસું માની કૃપા પામવા, દેજો મુજ પ્રતિ ધ્યાન .. હે દેવ!
મૂર્ખ માનતા પત્થર તમને, ચિન્મય કિન્તુ તમે,
પ્રેમબળે પ્રકટો છો સાચે; પ્રેમ કરો મુજને.
મનગમતા રૂપમહીં માનું દર્શન માગું છું,
પૂર્ણ કરી દો ઈચ્છા મારી, દર્શન માગું છું.
દયા કરો તો મળે સહજમાં મને રસતણી લ્હાણ ... હે દેવ!
માનું દર્શનસ્પર્શન પામી જીવન પાવન થાય,
ચિંતા તેમજ વ્યથા પુરાણી અંતરમાંથી જાય.
લક્ષમાં લઈ અરજી મારી આશીર્વાદ ધરો,
વંદન વારંવાર કરું છું, સંકટ હવે હરો!
કૃપા કરો તો બનું આજ હું આનંદે ગુલતાન ... હે દેવ!
બદરીવનમાં તમે જણાવ્યું સિદ્ધિનું આ ધામ,
હજી મળ્યું ના પરંતુ મુજને કો’ ઠરવાનું ઠામ.
વચન કરી દો સત્ય હવે તો, તલસે મારો પ્રાણ,
‘પાગલ’ પ્રાર્થે અરજ આટલી જલદી ધરજો ધ્યાન.
વંદન વારંવાર તમોને પ્રભુજી કૃપાનિધાન ! ... હે દેવ!
- © શ્રી યોગેશ્વરજી

