તમે શો વરસાવો કેર !
કઠોર અંતર કેમ કર્યું છે, કેમ કરો છો કેર ? ... તમે.
બાલક છું હું છેક સુકોમળ, ભુલ્યાં કેમ ઉછેર ?
કષ્ટ ન દે બાલકને માતા, દર્દ કરી દો જેર ... તમે.
તમને મળવાની મરજી છે, અપરાધ ગણો તે ?
દંડ કારમો કરવા બેઠાં તેનો આજ તમે ?
દર્શનની ઈચ્છા શું બૂરી ? આવું શું અંધેર ?
શરણાગતને સંકટ આપો, સમજાય કયી પેર ? ... તમે.
સંતોએ તો કહ્યા કૃપાળુ, ગાયાં ઠેરઠેર;
બિરદ અનેરાં અગણિત આપ્યાં, તેમાં પડિયો ફેર ? .. તમે.
‘પાગલ’ના પ્રેમમહીં પડશે તોય ફરક ના ખેર;
શ્રદ્ધા છે કે દર્શન દેશો, નહિ લગાડો દેર. ... તમે.
- શ્રી યોગેશ્વરજી

