વ્હાલા રાધાના શ્યામ !
તું આવ જરી.
કંઈ વરસોથી પ્રતીક્ષા કરું,
ધીરજ વિશેષ કેમ ધરું ? ... વ્હાલા...
તલસાવે મને તડપાવે વળી,
માંડી રમત તેં એવી અહીં...વ્હાલા...
છોડી મુજને સંતાયો ક્યાં ?
કહે તો દોડી આવું હું ત્યાં...વ્હાલા...
આવ અહીં તો સ્વર્ગ રચીશું,
સુખદુઃખમાં સાથે રહીશું...વ્હાલા...
MP3 Audio
રચના સમયના મનોભાવો
જીવનમાં ઘણીવાર વણનોતર્યા માનવો આવી મળે છે, જેને ઈચ્છીએ છીએ તે કરતાં જુદી જ વ્યક્તિઓના સમાગમો થાય છે. તેવી ક્ષણોમાં પણ અંતર તો રાધાના શ્યામને જ ઝંખે છે.
વરસો વહી ગયાં પ્રભુની પ્રતીક્ષામાં હવે તો ધીરજ પણ ખૂટવા લાગી છે. ઘણી રાહ જોવડાવી. મન-અંતરે ઘણો તલસાટ વેઠયો. હવે એવી કસોટીની રમતોને છોડીને, હે પ્રભુ ! અહીં દોડી આવ.
જન્મ પહેલાં તો તું મારી સાથે હતો. જન્મ સાથે જ તું મને છોડીને ક્યાં ચાલ્યો ગયો ? તું કેમ દેખાતો નથી ? કૃપા કરીને મને શોધી કાઢ ને અહીં આવ અથવા તો તું મને તારી પાસે બોલાવી લે.
તું જ મારી સાથે રહે તો જીવન સ્વર્ગસમું બની જશે.

