Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

અમે પ્રેમનગરના વાસી
જ્ઞાન ભક્તિ અમારી દાસી,

ભવનો સાગર રહ્યો જેને સતાવી
તે છો જાયે બધુ ત્યાગી;
સચરાચરે અમે તો ક્રીડા કરી રહ્યા,
જ્યાં ત્યાં જઇએ ત્યાં કાશી. ... અમે પ્રેમનગરના

પગલેપગલે અમારે તીરથ મંડાતા;
મુક્તિ અમારી પટરાણી,
શાંતિના સ્વામી અમે આનંદે રાચતાં,
ચિંતાની પોટલી ફગાવી. ... અમે પ્રેમનગરના

આઠે પહોર આવે અહીં તો દીપાવલી,
ઇદ છે અહીં તો સદાની,
આત્માના આસને અમે તો વિરાજ્યા,
તે જ દિનથી બડભાગી. ... અમે પ્રેમનગરના

આઠે પહોર અમે પ્રેમની મદિરામાં
અંગને રહેતાં પખાળી,
અવનીમાં એક અમે પ્રેમી પૂરેપૂરા,
અમારા વિના નહીં કાંઇ. ... અમે પ્રેમનગરના

- શ્રી યોગેશ્વરજી