Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

३१. तदा सर्वावरणमलापेतस्य ज्ञानस्याऽनन्त्याज्ज्ञेयम् अल्पम् ।
31. tada sarva avarana mala apetasya jnanasya anantyat jneyam alpam

વિવેકજ્ઞાનની પ્રાપ્તિ પહેલાં જ્ઞાનને સીમિત કરનારા અવિદ્યા વગેરેના જેટલા પણ પડદા હોય છે, ને તેમાં કર્મના સંસ્કારોનો જેટલો પણ મેલ હોય છે, તે બધો મેલ ને બધા જ પડદા ધર્મમેઘ સમાધિની સિદ્ધિ થતાં દૂર થાય છે કે તૂટી જાય છે. તેથી યોગીનું જ્ઞાન અસીમ ને અનંત થઇ જાય છે. પછી જગતના જ્ઞેય પદાર્થો તેની આગળ અલ્પ થઇ જાય છે. તેનાથી કોઇયે વસ્તુ અજ્ઞાત રહી શક્તી નથી.

*

३२. ततः कृतार्थानां परिणामक्रमपरिसमाप्तिर्गुणानाम् ।
32. tatah kritarthanam parinama krama samaptih gunanam

તે પછી ગુણોનું કામ પૂરું થઇ જાય છે. પુરુષને ભોગ ને મોક્ષ આપવાના તેમના હેતુની સિદ્ધિ થાય છે. તેથી તેમના પરિણામક્રમની પણ સમાપ્તિ થઇ જાય છે. તેથી તેમની દ્વારા નવા શરીરનું નિર્માણ થઇ શક્તું નથી. પુનર્જન્મમાં તે કારણરૂપ થતા નથી.

*

३३. क्षणप्रतियोगी परिणामापरान्तनिग्रार्ह्यः क्रमः ।
33. ksana pratiyogi parinama aparanta nigrahyah kramah

જે ક્ષણોનો પ્રતિયોગી છે, ને પરિણામને અંતે જેનું સ્વરૂપ સમજી શકાય છે, તે ક્રમ છે.
કોઇ વસ્તુ કોઇ એક સ્વરૂપમાંથી બીજા રૂપમાં બદલાય છે, અથવા એક રૂપમાં રહીને પણ જૂની થતી જાય છે, ત્યારે પરિવર્તનનું તેનું પરિણામ એક દિવસ, એક ઘડી કે એક પલકમાં થતું નથી. તેમાં હરેક ક્ષણે પરિવર્તન થયા કરે છે. તેનું બીજું પરિણામ જ્યારે પૂર્ણ થાય છે, ત્યારે અનુમાનથી સમજી શકાય છે કે તે વસ્તુ એકીસાથે નહિ પણ ક્રમપૂર્વક બદલાતી આ દશાએ પહોંચી છે. તે રીતે ક્રમનું જ્ઞાન પરિણામને અંતે થાય છે, તેથી તેને આ સૂત્રમાં ‘પરિણામાપરાન્તનિગ્રાહ્ય’ કહ્યો છે. ને એકેક ક્ષણના પ્રવાહમાં તેનું જ્ઞાન થઇ શકે છે. તેથી તેને ક્ષણપ્રતિયોગી કહેવામાં આવે છે. ક્ષણપ્રતિયોગી એટલે ક્ષણોનો વિભાગ કરનારો એવો બીજો અર્થ પણ થઇ શકે છે.

*

३४. पुरुषार्थशून्यानां गुणानां प्रतिप्रसवः कैवल्यं, स्वरूपप्रतिष्ठा वा चितिशक्तिरेति ।
34. purusha artha sunyanam gunanam pratiprasavah kaivalyam svarupa pratistha va chiti shaktih iti

પુરુષને માટે જેમનું કોઇ કર્તવ્ય બાકી રહ્યું નથી તેવા ગુણો પોતાના કારણમાં વિલીન થઇ જાય તેને કૈવલ્ય કહેવામાં આવે છે. અથવા તો એમ પણ કહી શકાય કે દ્રષ્ટા પોતાના સ્વરૂપમાં પ્રતિષ્ઠિત થઇ જાય તેને કૈવલ્ય કહે છે.

ગુણોની પ્રવૃત્તિનું મુખ્ય ધ્યેય પુરુષના ભોગ ને મોક્ષનું છે. તે ધ્યેયની સિદ્ધિ માટે જ તે બુદ્ધિ, મન, અહંકાર, તન્માત્રા, ઇન્દ્રિયો ને શબ્દાદિ વિષયોના આકારમાં મૂર્ત થાય છે. ભોગ તેમજ મોક્ષ મળ્યા પછી મુક્ત પુરુષને માટે તેમનું કોઇ કર્તવ્ય નથી રહેતું. તેથી પ્રયોજનને પૂર્ણ કરી ચૂકેલા તે ગુણ પોતાના કારણમાં વિલીન થઇ જાય છે. તે જ કૈવલ્ય અથવા ગુણોનું પુરુષથી મુક્ત થવું છે. તેમજ તેમની સાથેના પુરુષના અવિદ્યાજન્ય સંયોગનો અંત આવવાથી પુરુષ પોતાના મૂળ સ્વરૂપમાં પ્રતિષ્ઠિત થઇ જાય છે. તે પુરુષનું પ્રકૃતિથી મુક્ત થઇ જવું અથવા કૈવલ્ય કહેવાય છે.


॥ इति पतञ्जलि विरचिते योगसूत्रे चतुर्थः कैवल्यपादः ॥

॥ કૈવલ્યપાદ સમાપ્ત ॥