Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

२६. तदा विवेकनिम्नं कैवल्यप्राग्भारं चित्तम् ।
26. tada viveka nimnam kaivalya pragbharam chittam

અજ્ઞાનમાં રમનારા સાધારણ માણસનાં ચિત્ત અવિવેકી ને વિષયપરાયણ હોય છે. પરંતુ વિશેષદર્શી યોગી પુરુષનું ચિત્ત વિવેકજ્ઞાનથી નમ્ર ને સંપન્ન હોય છે. તે સંસારના વિષયોમાં રમતું નથી. વિષયોથી વિરક્ત થઇને તે કૈવલ્યાભિમુખ બની જાય છે. પોતાના કારણમાં વિલીન થવાનું શરૂ કરે છે. ચિત્ત પોતાના કારણમાં વિલીન થઇ જાય ને દ્રષ્ટાના સ્વરૂપમાં પ્રતિષ્ઠિત થાય તેને કૈવલ્ય કહે છે.

*

२७. तच्छिद्रेषु प्रत्ययान्तराणि संस्कारेभ्यः ।
27. tachchhidresu pratyaya antarani samskarebhyah

વિવેકજ્ઞાનમાં ડૂબેલા ને પોતાના કારણમાં વિલીન થવાનો પ્રયાસ કરનારા ચિત્તમાં વ્યુત્થાન દશામાં બીજી વસ્તુ ને વૃત્તિની પ્રતીતિનો વ્યવહાર ચાલે છે, તેનું કારણ પૂર્વસંસ્કારોની પ્રબળતા છે. બળી ગયેલા બીજ જેવા તે સંસ્કારોને લીધે યોગીને વ્યુત્થાન દશામાં બાહ્ય પદાર્થોની પ્રતીતિ થાય છે, ને તેના ચિત્તમાં પણ કેટલાક પૂર્વસંસ્કારોની અસર કાયમ રહે છે.

*

२८. हानम् एषां क्लेशवदुक्तम् ।
28. hanam esam kleshavat uktam

તે સંસ્કારોનો વિનાશ ક્લેશોના નાશની પેઠે કરવો એમ કહેવામાં આવ્યું છે.
બળી ગયેલા બીજના જેવા સૂક્ષ્મ ક્લેશનો નાશ કાર્યનો કારણમાં લય કરીને કરવાનું કહ્યું છે. તે પ્રમાણે આ સંસ્કારોનું પણ સમજી લેવાનું છે. ચિત્ત જ્યાં સુધી હયાત હોય છે ત્યાં સુધી સંસ્કારોનો સંપૂર્ણ નાશ નથી થતો. ચિત્ત પોતાના કારણ ગુણોમાં લીન થઇ જાય, ત્યારે જ તેની સાથે તેમનો નાશ થઇ શકે છે. પરંતુ બળી ગયેલાં બીજ જેમ ફરી ઉગતાં નથી, તેમ જે સંસ્કાર જ્ઞાનરૂપી અગ્નિથી બળી ગયા હોય, તે પુનર્જન્મ કરાવી શક્તા નથી.

*

२९. प्रसंख्यानेऽप्यकुसीदस्य सर्वथाविवेकख्यातेर्धर्ममेघः समाधिः ।
29. prasankhyane api akusidasya sarvatha viveka khyateh dharma-meghah samadhih

વિવેકજ્ઞાનનો ઉદય થતાં યોગીનું ચિત્ત તદ્દન નિર્મળ બની જાય છે. તેમાં અલૌકિક શક્તિ પ્રકટે છે, ને યોગી સર્વજ્ઞ બની જાય છે. એવી અલૌકિક શક્તિ ને સર્વજ્ઞતામાં પણ જેને આસક્તિ થતી નથી, તે યોગીનું વિવેકજ્ઞાન નિર્વિઘ્ને પ્રકાશ્યા કરે છે કે કાયમ રહે છે. ને તેવા યોગીને ધર્મમેઘ સમાધિની પ્રાપ્તિ થાય છે.

*

३०. ततः क्लेशकर्मनिवृत्तिः ।
30. tatah klesha karma nivrittih

તેવી ધર્મમેઘ સમાધિની મદદથી યોગીના અવિદ્યાદિ પાંચે ક્લેશ તથા શુક્લ, કૃષ્ણ ને મિશ્રિત એવા ત્રણે પ્રકારના કર્મસંસ્કારોનો તદ્દન નાશ થઇ જાય છે. તેવો યોગી જીવન્મુક્ત દશાની પ્રાપ્તિ કરે છે.