કર્યું નહીં સ્થૂળ વિશિષ્ટ દાન
કિન્તુ કર્યું જીવનનું પ્રદાન
જાગ્યા તમે તે ક્ષણથી સમાજને.
ના જ્ઞાન અર્પ્યું લિપિબદ્ધ મૌખિક
પરંતુ પ્રજ્ઞાપ્રતિમા બનીને
આચારથી જ્ઞાન સદા વહાવ્યું.
કર્યાં ન ચાંદ્રાયણશાં વ્રતોને
વ્રતે ભરેલી પણ જિંદગી રહી
બધી તમારી. ન કર્યું ભલે તપ,
બનેલ સાક્ષાત તમે તપસ્યા.
પામ્યાં ન પામ્યાં શુચિ વિશ્વચેતના,
તમે થયાં ચેતન વિશ્વચેતના.
ભેગા કર્યાં સ્થૂળ તમે ન વૈભવ
તોયે બન્યાં વૈભવનાં સમુદભવ.
- શ્રી યોગેશ્વરજી

