if (window.top.location.href !== window.self.location.href && !window.top.location.href.startsWith('https://mail.swargarohan.com/')) { window.top.location.href = window.self.location.href; }

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

અનુભવી મહાપુરુષો, સંતો, ભક્તો કે વિદ્વાનો કહે છે કે ઈશ્વર જે કરે છે તે મંગલને માટે જ કરે છે. એવો સજીવ વિશ્વાસ માનવના મનમાં દૃઢ બની જવો જોઈએ. એ વિશ્વાસ હમેશાં કલ્યાણકારક છે. જીવનમાં કેટલીય વાર એ વિશ્વાસની કસોટી કરનારા પ્રસંગો પેદા થાય છે અને ખાસ કરીને પ્રતિકૂળ પરિસ્થિતિમાં એની કસોટી વધારે થાય છે. એવે વખતે પણ ઈશ્વરની મંગલમયી ઈચ્છા તથા યોજનામાં જેને વિશ્વાસ હોય છે તે એ વિશ્વાસને કાયમ રાખે છે. એવો વિશ્વાસ જો આપણા જીવનમાં પેદા થઈ જાય, ને દૃઢ બની જાય તો કેટલો બધો લાભ થાય ?  ચિંતા ટળી જાય, વેદના શમી જાય, અને પ્રત્યેક પરિસ્થિતિમાં મન સ્વસ્થ અને શાંત રહે.

આ વાત આશરે ઈ.સ. ૧૯૫૬ની છે.

એ વખતે મારો નિવાસ ઋષિકેશના ભરત મંદિરની ધર્મશાળામાં હતો.

ત્યાં દહેરાદૂન શહેરની સમીપના ગામ કોલાગઢના એક ભાઈ મારી પાસે આવીને મને એમને ઘેર થોડાક દિવસો રહેવાનું આમંત્રણ આપી ગયા.

મેં એમના આમંત્રણનો સ્વીકાર કર્યો એટલે એ આનંદ પામ્યા ને બોલ્યા, ‘તમે મારે ત્યાં પધારશો એટલે મારું ઘર પાવન થશે. એ તો ખરું જ પરંતુ ગામના લોકોને પણ લાભ થશે. અમારું ગામ ઘણું જ શાંત અને સુંદર છે. તેના કેટલાય લોકો ઘણા ધર્મપ્રેમી ને સંસ્કારી છે. તમારા આગમનથી એમને પણ આનંદ થશે.’

એમની સાથે વાતચીત કરીને અમે એમને ત્યાં જવાનો દિવસ નક્કી કર્યો અને તે દિવસે એમણે મને લેવા માટે વહેલી સવારે મારી પાસે આવવું અને અમારે એમને ગામ જવા માટે સાડા અગિયારની મોટરમાં નીકળવું એવું ઠરાવ્યું.

નક્કી કરેલા દિવસે મેં વહેલી સવારથી જ એમની રાહ જોઈ તથા બધી તૈયારી કરી લીધી. પરંતુ અગિયાર વાગવા છતાં પણ એ આવ્યા જ નહિ ત્યારે મને ભારે નવાઈ લાગી. બાર વાગ્યા, સાડા બાર વાગ્યા, એક વાગ્યો તો પણ એ ના આવ્યા. મને થયું કે મારે શું કરવું ?  એ મને લેવા માટે કોઈક કારણસર ના આવી શક્યા તો પણ મારે તો નક્કી કર્યા પ્રમાણે એમને ત્યાં જવું જ જોઈએ. એમનું ઘર મેં નથી જોયું છતાં પણ મારી પાસે સરનામું છે એટલે શોધી શકાશે.

ત્રણેક વાગે ઉપડતી બસમાં બેસીને હું ઋષિકેશથી દહેરાદુન જવા ઉપડ્યો.

રસ્તામાં સોંગ નામની નદી આવી. ત્યાં આગળ નદીમાંથી પસાર થતાં પહેલાં અમારી બસ થોડી વાર ઊભી રહી.

નદી પર પુલ ન હોવાથી બસને નદીમાં થઈને જ પસાર થવું પડતું. ચોમાસામાં પાણીની પ્રચુરતાને લીધે બસ વ્યવહાર બંધ રહેતો. પરંતુ આ તો શિયાળો હતો. નદીમાં પાણી ઘણું જ ઓછું હતું.

પાણીમાં ઋષિકેશથી દહેરાદુન જતી કોઈ બસ ફસાઈ ગયેલી. એમાં બેઠેલા મુસાફરો બહાર ટોળે વળેલા. એને બહાર કાઢવાના બધા જ પ્રયત્નો નિષ્ફળ ગયેલા. તપાસ કરતાં ખબર પડી કે એ બસ ઋષિકેશથી સાડા અગિયાર વાગ્યે ઉપડેલી જ બસ હતી. એ બસમાં જ નીકળવાની અમે સૌથી પહેલા યોજના બનાવેલી. એ યોજના પાર ના પડી ને પેલા ભાઈ મને લેવા જ ના આવ્યા. તે એક રીતે સહેતુક અથવા સારું જ થયું એમ લાગ્યા વિના રહ્યું જ નહિ, કેમ કે એ ભાઈ જો લેવા આવત તો અમે સાડા અગિયારની બસમાં જરૂર બેસત. અને એની દુર્દશા તો હું જોઈ જ રહ્યો છું ! એ દુર્દશામાંથી મને ઉગારવા માટે જ પેલા ભાઈને ઈશ્વરે જાણે કે મારી પાસે ના મોકલ્યા. એ ઘટનામાં મને ઈશ્વરની દયાનું જ દર્શન થયું. કદાચ હું એ બસમાં બેસત તો બસ ફસાત નહિ એવું પણ કહી શકાય પરંતુ મારે તો મારી સામે જે વાસ્તવિકતા હતી તેનો જ વિચાર કરવાનો હતો.

દહેરાદુન પહોંચીને મેં ટાંગો કર્યો.

લગભગ બે માઈલનું અંતર કાપીને હું કોલાગઢમાં પેલા ભાઈને ત્યાં પહોંચ્યો ત્યારે એમને નવાઈ લાગી ને થોડો સંકોચ પણ થયો. તેમણે કહ્યું, ‘આજના દિવસનો તો મને ખ્યાલ જ ના રહ્યો. માફ કરજો.’

‘હરકત નહિ’ મેં જણાવ્યું, ‘તમારું વિસ્મરણ મારે માટે લાભકારક થયું છે.’

‘કેવી રીતે ?’

મેં એમને રસ્તાની સઘળી હકીકત કહી બતાવી. તે સાંભળીને તે બોલ્યા, ‘ઈશ્વર જે કરે છે તે સારા માટે. છતાં પણ મારાથી તમને લેવા માટે ના અવાયું એનો અફસોસ તો રહેવાનો જ.’

‘ઈશ્વરની પ્રત્યેક યોજના કે લીલા સહેતુક અને મંગલમય છે. એને એવી રીતે જોવાની દૃષ્ટિ કેળવીએ.’

એવી ટેવ જો ખરેખર પાડીએ તો ?  ઈશ્વરની દયાનું દર્શન રોજિંદા જીવનની ઘટનાઓમાં પણ થયા વગર નહિ રહે.

 - શ્રી યોગેશ્વરજી

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.