Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921
તમને આટલી બધી ઉત્કટતાથી પ્રેમ કરનાર, ચાહનાર
ને તમારે માટે આટલી બધી લાગણી રાખનાર મારા વિના આ સંસારમાં બીજું કોઈ જ નથી.
કેટલા બધા અપાર પ્રેમથી હું તમારી પૂજા કરું છું ને તમને પોકારું છું !
તમારે માટેનો કેટલો અપાર અનુરાગ મારા અંતરમાં ઉત્પન્ન થઈ રહ્યો છે
તેની તમને સારી પેઠે ખબર છે.
ક્ષણેક્ષણે તમારું સ્મરણ કરીને હું આનંદ માનું છું,
ને તમારા ગૌરવનાં ઘેનભર્યા ગીતોમાં મારા પ્રાણને વહેતો મૂકું છું.
તમારા પ્રેમનાં આવા મંગલમય ગીતો મારા વિના
બીજા કોના અંતરમાંથી આટલા બધા અનુરાગપૂર્વક વહ્યા કરે છે તે તો કહો !

મારી આંખમાં, મારા અંતરમાં ને મારા રોમેરોમમાં એક તમે જ છો.
તમારા વિના મારા જીવનમાં બીજું કાંઈ જ નથી.
ધમનીના ધબકારામાં એક તમારો જ ધબકાર ચાલી રહ્યો છે,
ને એક તમારી જ આરાધનામાં મારો આત્મા એકાકાર બનીને બેસી રહ્યો છે.
મારા જીવનનું રહસ્ય તમારા પ્રેમમાં જ પૂરું થાય છે.
માટે જ કહું છું કે તમે વિચાર તો કરી જુઓ
કે આટઆટલી ભાવના ને શ્રદ્ધાનું ભાથુ ભરીને તમારે માટે મહેનત કરનાર
ને શ્વાસ લેનાર આ સંસારમાં બીજું કોણ છે ?

- શ્રી યોગેશ્વરજી