Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921
મારી વેદનાને ઠાલવવાનું એક જ સાધન :
તારી શીતળ સુંવાળી છાતી ને પ્રેમામૃતનું પાન.
મુક્ત રીતે મને તું તેનું દાન આપ, તો મારી ઘણી વેદના વિસરી શકું.
એટલું કર તો તારો ઉપકાર થશે.

તારી સાથે સ્નેહ કરવાનો આ સુવર્ણ અવસર
મારા જીવનમાં એકાએક આવી પડ્યો છે ત્યારે
જરાય કૃપણ થયા વિના મને તું પ્રેમ કર.
તારો મોટો ઉપકાર થશે.

મારો વિચાર તો કરી જો ! તારા વિના મારા હૃદયમાં બીજું કોણ છે ?
મારા હૃદયની આ વેદના તેં જ જગવી છે.
તારી નેહભરી નજરે તેમાં તીરનું કામ કર્યું છે.
તે તું જ તેને શાંત કર.
હે દેવી, તું જ શાંત કર.
ગમે તેમ કર, પણ હવે મારાથી છૂટી ના પડ.
મને તારો સદાનો સાથ ને સહવાસ ધર.
મારી પ્રાર્થનાને જરા દયાળુ થઈને ધ્યાને ધર. તારો ઉપકાર થશે.

તારા હૃદયમાં જો મારે માટે લેશ પણ પ્રેમ ને ઉમળકો હોય
તો મારે માટે તું બધું જ સમર્પણ કર.
તારા પ્રિયમાં પ્રિય પદાર્થ-પ્રાણનો પણ ત્યાગ કર.
બીજું બધું જ ભૂલી જઈને તું મારી પાછળ પાગલ બન, ઉન્મત્ત બન,
ને મને તારું અખંડ પ્રેમાલિંગન આપી મારું રક્ષણ કર.
વિરહના વડવાગ્નિમાંથી કાયમ માટે મારું રક્ષણ કર.

- શ્રી યોગેશ્વરજી