Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921
સમજાતું નથી મારા હૃદયને તમે કેવું બનાવ્યું છે !
તેમાં કેટકેટલું દર્દ, કેટકેટલી કરુણા ને કેટકેટલી વેદના ભરી છે !
સમજાતું નથી મારા હૃદયને તમે કેવું બનાવ્યું છે !

કેટકેટલા પ્રેમથી તેને પરિપ્લાવિત કરી દીધું છે,
ને આશાના કેટકેટલા આલાપથી ભરી દીધું છે.
સમજાતું નથી મારા હૃદયને તમે કેવુંક બનાવ્યું છે !

તમારા ને તમારી સૃષ્ટિના હિત માટે તે હંમેશા આતુર બને છે,
સ્વપ્નાં સેવે છે, ને પ્રાર્થે છે.
ઊષા જેમ નિત્ય નવી ને ફુલવાડી જેમ નિત્ય ફોરમવંતી,
તેમ નિત્ય નવા રૂપરંગ ને નવી ફોરમથી તે તમારી પૂજા કરે છે.

મારું હૃદય તમને ભૂલી શકતું નથી ને પ્રેમ કર્યા વિના રહી શકતું યે નથી.
છે તો ઘણું નાનું, પણ ખૂબ જ અનેરું ને રહસ્યમય છે.
સમજાતું નથી મારા હૃદયને તમે કેવુંક બનાવ્યું છે !

- શ્રી યોગેશ્વરજી